Get The App

જામનગરમાં ધમધમતા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે આધેડ નરાધમનું અધમ કૃત્ય, એક યુવકે બચાવી

Updated: Oct 26th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં ધમધમતા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે આધેડ નરાધમનું અધમ કૃત્ય, એક યુવકે બચાવી 1 - image


Jamnagar News: જામનગર શહેરના અપનાબજાર જેવા અત્યંત ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે તેવી એક અધમ ઘટના સામે આવી છે. એક આધેડ શખસ જાહેરમાં માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરતો કેમેરામાં કેદ થયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં લોકોમાં ભારે રોષ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે.

ભીડભાડવાળી જગ્યાએ નિર્લજ્જતા

મળતી માહિતી અનુસાર, જામનગરના અપનાબજાર વિસ્તારમાં એક આધેડ શખસે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક માસૂમ બાળકી અને તેની સાથે રહેલા એક બાળકને રોક્યા હતા. સૌ પ્રથમ તેણે બંને સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ ધીમે ધીમે બાળકીને પોતાની પાસે બોલાવી અને બળજબરીપૂર્વક તેને પોતાના ખોળામાં બેસાડી લીધી હતી.

ખોળામાં બેસાડ્યા બાદ નરાધમ આધેડ શખસે માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરવાનું શરૂ કર્યું હતું. આ દ્રશ્ય જોઈને બાળકી સાથે રહેલો અન્ય બાળક ડઘાઈ ગયો હતો અને તેણે બાળકીને ખેંચીને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આધેડની મજબૂત પકડને કારણે તે સફળ થયો નહોતો.

આખરે, ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકનું ધ્યાન આ ઘટના તરફ ગયું હતું. તે તરત જ દોડી આવ્યો અને આધેડના ખોળામાંથી બાળકીને ઉઠાવી લીધી અને તેને સલામત સ્થળે મૂકી આવ્યો. જો કે, યુવાન પાછો ફરે તે પહેલાં જ નરાધમ શખસ પોતાના થેલા લઈને ત્યાંથી ચાલતી પકડી હતી. તે યુવકે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો: ભારે પવનના કારણે ગિરનારમાં રોપ-વે સેવા અસ્થાયી રૂપે બંધ, વેકેશનમાં આવતા પ્રવાસીઓને હાલાકી

પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી

આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, અને તેનો વીડિયો વાયરલ થતાં જામનગરના લોકોમાં આ આધેડ શખસ પ્રત્યે ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોની માંગ છે કે પોલીસ તંત્ર તાત્કાલિક આ વાઈરલ વીડિયોના આધારે આવા નરાધમને શોધી કાઢે અને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરે.

Tags :