રૂપાણી પંજાબથી આવીને લંડન જવા નીકળ્યા હતા, ત્રણ દિવસ પહેલા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

- ત્રણ દિવસ પહેલા રૂપાણીએ પંજાબમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
- ભંડેરી-ભારદ્વાજ બે દિવસ પહેલા લંડન પહોંચી ગયા, વિજયભાઈ ગાધીનગર બે દિવસ રોકાઈને નીકળ્યા
- પ્લેન ક્રેશના ખબર મળતા લંડનમાં પુત્રી-જમાઈને ત્યાં પહોંચેલા વિજયભાઈના પત્ની ગુજરાત આવવા રવાના
રાજકોટ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટમાં ઈ.સ.૧૯૬૦થી રહીને રાજકીય કારકીર્દિ ઘડનાર ૬૮ વર્ષીય વિજયભાઈ રૂપાણી આજે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા ત્યારે આ એરઈન્ડિયાનું આ પ્લેન ટેકઓફની સેકન્ડોમાં તુટી પડયું હતું. ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મૂજબ લંડન જવાનો વિજયભાઈનો પ્લાન હતો, તેમની પુત્રી રાધિકાબેન અને જમાઈ બન્ને ત્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેમને ત્યાં વિજયભાઈના પત્ની અંજલિબેન અગાઉ ત્યાં પહોંચી ગયા હતા અને વિજયભાઈ પંજાબથી આવીને ગાંધીનગરમાં બે દિવસ રોકાઈને આજે આ પ્લેનમાં બેઠા હતા.
રાજકોટમાં નિતીન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી પણ બે દિવસ પહેલા લંડન પહોંચી ગયા હતા અને વિજયભાઈ આજે લંડન પહોંચીને ત્યાં ૨૨ દિવસ સુધી રહેવાનો,ફરવાનો કાર્યક્રમ અગાઉથી નક્કી થયો હતો. અંજલિબેન રૂપાણી અગાઉ ગયા હતા અને વિમાન અકસ્માતની ઘટના બાદ તેઓ ગુજરાત પરત આવવા રવાના થઈ ગયાનું જાણવા મળે છે.
પંચાવન વર્ષથી રાજકારણમાં સક્રિય વિજયભાઈને પંજાબ રાજ્યના ભાજપના પ્રભારીની જવાબદારી સોંપાયેલી હોય અને લુધિયાણા પશ્ચિમ બેઠકની પેટાચૂંટણી આગામી તા.૧૯ના યોજાનાર હોય તેના પ્રચાર માટે તેઓ ત્રણ દિવસ પહેલા લુધિયાણા ગયા હતા. ત્યાં તેમણે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ યોજીને ઉમેદવાર જીવન ગુપ્તાનો પ્રચાર કરીને ભાજપ વિજયી થઈને ઈતિહાસ રચશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બે દિવસ પહેલા તેઓ ગાંધીનગર આવ્યા હતા અને ત્યાં જરૂરી મુલાકાતો કરીને રાજકોટમાંથી આજે બપોરે ઉપડતી અમદાવાદ-લંડનની ફ્લાઈટમાં ટિકીટ બૂક કરાવી હતી જે મૂજબ તેઓ આજે લંડન દિકરીને ત્યાં જવા નીકળ્યા હતા ત્યાં પ્લેન ક્રેશ થયું હતુ.

