VIDEO: સુરતના કોટ વિસ્તારમાં ગણપતિજીના ભવ્ય દરબાર, એકથી એક ચડિયાતા પંડાલમાં ભક્તોની ભીડ
Ganesh Chaturthi 2025 : સુરતના ગણેશોત્સવ પૂરો થવાના આડે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે શહેરના કોટ વિસ્તારમાં વિવિધ થીમ પર વિશાળકાય પ્રતિમા શ્રીજીના ભક્તોનું આકર્ષણ બની રહી છે. શહેરના કોટ વિસ્તારમાં અસલ સુરતી સ્ટાઈલમાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. શહેરના કોટ વિસ્તારમાં 10 થી માંડીને 30 ફૂટ જેટલી પ્રતિમા ગણેશ ભક્તોને આકર્ષી રહી છે. યુનિક થીમ પર બનાવવામાં આવેલી શ્રીજીની પ્રતિમા જોવા માટે ભક્તોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે.
સુરતના કોટ વિસ્તારની ગલીએ ગલીએ ગણપતિજીનો ગ્રાન્ડ દરબાર
સુરત શહેરમાં તહેવારની ઉજવણીમાં અસલ સુરતીઓની પરંપરા યથાવત જોવા મળી રહી છે. શહેરના કોટ વિસ્તારમાં સંખ્યાબંધ ગણેશ મંડપમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના થઈ છે. તેમાં નવા પુરા ગોલવાડમાં અનેક શેરીમાં ચારથી પાંચ ગણેશજીની સ્થાપના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. અહીં કોઈએ હીંચકા પર પાર્વતી માતાના ખોળામાં બાળ ગણેશ મુક્યા છે અને ભક્તો તે પારણું પણ ઝુલાવી શકે છે. તો કોઈએ અયોધ્યા ધામ બનાવ્યું છે, તો કોઈ ગણેશ મંડપમાં નવરાત્રીના માહોલ સાથે ગણપતિજીની સ્થાપના કરી છે. તો કોઈ ગણેશ પંડાલમાં ગરુડ પર લક્ષ્મીજી સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી છે તો ક્યાંક પંચ મુખી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.
આ વિસ્તારમાં હનુમાન ટેકરી- 2માં ગણપતિજી કેદારનાથ ભગવાનને જળ અભિષેક કરતા હોય તેવી પ્રતિમા મૂકવામાં આવી છે. મંડળના મનોજ રાણા કહે છે, 1986 થી અહી શ્રીજીની સ્થાપના થાય છે અને દર વર્ષે ચારેક મહિના પહેલા જ મંડળની મીટીંગ માં કઈ થીમ પર ગણેશજીની સ્થાપના કરવાની છે તે નિર્ણય કરી તરત ઓર્ડર આપી દેવામા આવે છે. અહીં પાંચ ફૂટથી મોટી પ્રતિમા હોવાથી વિસર્જન કૃત્રિમ તળાવ નહી પરંતુ દરિયામાં કરવામાં આવે છે.
નવાપુરા કાંટાની વાડના જાગૃતિ યુવક મંડળના સુભાષ રાણા કહે છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ યુનિક થીમ પર એટલે કે બલરામ સ્વરુપમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ વિસ્તારમાં દરેક મોહલ્લામાં ત્રણથી પાંચ ગણેશ મંડળ છે અને દરેક જગ્યાએ કંઈ યુનિક થીમ પર ગણેશજીની સ્થાપના કરવામા આવે છે.
આ ઉપરાંત ગલેમંડી વિસ્તારમાં 20 ફૂટથી પણ મોટી પ્રતિમા જોવા મળે છે, જેમાંની એક પ્રતિમા વીરભદ્ર અવતારની પ્રતિમા છે. આ ઉપરાંત બેગમપુરામાં 30 ફૂટ જેટલી પ્રતિમા જોવા મળે છે. સાંકડી ગલીઓમાં આ પ્રતિમાની સ્થાપના કરવામા આવે છે અને બાપ્પાની પ્રતિમાને ગલીમાં સ્થાપના માટે લઈ જવા તથા વિસર્જન માટે બહાર લાવવા માટે કેટલીક યુક્તિ કરવામા આવે છે. જેમાં ઘણી વખત મુશ્કેલી પડે છે તેમ છતાં પણ કોટ વિસ્તારમાં અનેક પ્રતિમા 10 ફૂટથી મોટી સ્થાપના કરવામા આવે છે તે પણ કોટ વિસ્તારની એક ખાસીયત છે.