ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે 7 લાખ ભક્તોએ મા અંબાજીના દર્શન કર્યા, કરોડો રૂપિયાનું દાન મળ્યું
Bhadravi Poonam Mela 2025: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો મધ્યાતરે પહોંચ્યો છે. અંબાજીમાં ચાર દિવસથી શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાયો છે. ઉત્તર ગુજરાતના માર્ગો પર પદયાત્રીકોનો પ્રવાહ અવિરત અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યો છે. ગુરૂવારે (ચોથી સપ્ટેમ્બર) મહાકુંભના ચોથા દિવસે 7.43 લાખ ભક્તોએ મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યાં હતા અને ચાર દિવસમાં કુલ 22.43 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત 1609 ધજાઓ ચડાવવામાં આવી હતા.જ્યારે 7.360 ગ્રામ સોનાનું અને 500 ગ્રામ ચાંદી માતાને ચઢાવવામાં આવ્યું છે અને ભંડારાથી 1.43 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.
અંબાજીને જોડતા માર્ગો પર શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટ્
અંબાજીમાં જગ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળામાં અંબાજી માતાને નવરાત્રિનું તેંડુ આપવા દુર દુરથી પદયાત્રીઓ સંઘો વાજતે ગાજતે મા અંબાના ધામ આરાસુર તરફ પ્રયાણ કરતા અંબાજીને સાંકળતા પાલનપુર, આબુરોડ, વિરમપુર, ખેડબ્રહ્મા, દાંતા, ખેરાલુ, સતલાસણા સહિતના માર્ગો પર જય અંબેનો નાદ ગુંજી ઉઠ્યો છે. પદયાત્રીઓ માતાજીના દર્શન કરવાના દ્રઢ સંકલ્પ અને અદમ્ય ઉત્સાહ સાથે આગળ વધી રહ્યા છે. તેમજ સેવા કેમ્પો દ્રારા પણ યાત્રીઓની અવિરત સેવા કરવામાં આવી રહી હોય ભાદરવીના મેળાને લઈ આરાસુરમાં શક્તિ, ભક્તિ સાથે સેવાનો અનોખો ત્રિવેણી સંગમ સર્જાયો છે. જેમાં ગુરૂવારે અંબાજીને જોડતા માર્ગો પર જાણે શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટ્યું હોય તેમ માનવ સાંકળ રચાઈ હતી.
મેળાના ચોથા દિવસે યાત્રાળુનો અવિરત પ્રવાહ અંબાજી મા શ્રદ્ધાળુઓનો સાગર છલકાતા 7.43 લાખ જેટલા માતાજીના દિવ્ય દર્શનનો લહાવો લીધો હતો. હાલમાં યાત્રાધામ અંબાજીમાં યોજાયેલા ભાદરવી પૂનમનો મેળો તેના મધ્યાંતરે પહોંચ્યો છે. વહિવટી તંત્ર દ્વારા યાત્રિકોની સુરક્ષા સહીતની અન્ય સુવિધાઓનું આ વર્ષે વિશેષ આયોજન કર્યું છે. જ્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં ઠેર ઠેર પદયાત્રીકો માટે સેવા કેમ્પોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. મોટાભાગના પગપાળા સંઘો અત્યારે અંબાજી નજીક પહોંચી રહ્યા છે.
આ પણ વાંચો: ભાદરવી પૂનમના મહામેળામાં આધ્યાત્મિકતા અને ટેકનોલોજીનો અનોખો સંગમ, ભક્તો અભિભૂત
લાલ ડંડાવાળો પગપાળા સંઘ સતત 191મા વર્ષે અંબાના ધામ પહોંચ્યો
મહામેળાના ચોથા દિવસે અમદાવાદના પ્રખ્યાત લાલ ડંડા વાળો સંઘ તેની 191મી પદયાત્રા લઈને મા અંબાના ધામમાં પહોંચ્યો હતો. મા અંબાના ચાચર ચોકમાં વર્ષોની પરંપરા મુજબ સૌપ્રથમ માતાજીના ગરબા ગાયા હતા. ત્યારબાદ મા અંબાના શિખરે ધજાઓ ચઢાવવામાં આવી હતી. આ પદયાત્રા સંઘમાં 51 બ્રાહ્મણો કે જેઓ માતાજીનું નિશાન લઈને અમદાવાદથી અંબાજી સુધી જમીન ઉપર મૂક્યા વગર સતત હાથમાં પકડીને વર્ષોની પરંપરા મુજબ આવી પહોંચ્યા હતા. આ સંઘમાં જોડાયેલા 450થી વધુ પદયાત્રીઓએ માતાના દર્શન કરી સૌ કોઈ સુખી થાય અને સૌનું સ્વાસ્થ્ય સારૂરહે તે માટે મા અંબાને પ્રાર્થના કરી હતી.
અંગદાનની જાગૃતિ માટે યુવાનોની સાયકલ યાત્રા
અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મહા મેળામાં લોકો દૂર દૂરથી પોતાની માનતા-આખડીઓ પૂરી કરવા કઠિન પદયાત્રા કરી રહ્યાં છે. ત્યારે ડીસામાં સાયકલ ગ્રૂપના 40 જેટલા યુવાનો માનવ જિંદગીને બચાવવા અંગદાન એ સૌથી પુણ્યશાળી કાર્ય હોવાથી સમાજમાં વધુને વધુ લોકો આ પુણ્યશાળી કાર્યમાં જોડાય તે માટે અંગદાન મહાદાનનો સંદેશો ફેલાવવા માટે ડીસાથી અંબાજીની સાયકલ યાત્રા યોજી હતી. અંબાજી પહોચી વધુમાં વધુ લોકો અંગદાનનો સંકલ્પ લે તેવી પ્રાર્થના કરવામાં આવશે.
મા અંબાના શિખરે હજારો લાલ ધજાઓ ચઢાવવાનો સિલસિલો
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાના ચોથા દિવસે માઈ ભક્તોનો મહાસાગર હિલોળે ચડયો હતો. મા અંબાના ચાચર ચોકમાં માઇ ભક્તોનો જાણે કે મહાસાગર છલકાયો હોય તેમ હકડેઠઠ માઈભક્તો ઉમટયા હતા. જ્યારે વહેલી સવારથી જ મા અંબાના દર્શન માટે પદયાત્રીઓનો ભારે ઘસારો કરતાં મંદિરના શિખરે હજારો લાલ ધજાઓ ચઢાવવાનો સિલસિલો શરૂ થયો હતો.