વાપીમાં ખેલાયો ખૂની ખેલ: પ્રેમિકા બીજા યુવક સાથે વાત કરતા પ્રેમીએ જાહેરમાં બંનેની કરી હત્યા, જાણો સમગ્ર મામલો
Vapi News: વાપીના જુના રેલવે ફાટક વિસ્તારમાં આજે મંગળવારે (16 સપ્ટેમ્બર) ત્રિપાખીયા પ્રેમસબંધમાં યુવાન અને યુવતી પર ચપ્પુ વડે હુમલો થયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવતીને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, આરોપી અને યુવતી વચ્ચેના પ્રેમસંબંધને લઈ લગ્ન કરવા દબાણ કરતા યુવતીએ ઈન્કાર કર્યો હતો. જોકે, આરોપીએ યુવતીના મૃતક સાથે સંબંધ હોવાની શંકા રાખીને હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનામાં મામલે પોલીસે આરોપી યુવક વિરૂદ્ધમાં હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચપ્પુના ઘા ઝીંકી યુવાન-યુવતીની હત્યા
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, વાપી વિસ્તારમાં રહેતા પરિવારની 18 વર્ષીય યુવતી આજે મંગળવારે સવારે રેલવે સ્ટેશન નજીક આવેલી ઓફિસમાં નોકરી પર જવા ઘરેથી નીકળી હતી. આ દરમિયાન એક યુવતી અને મૃતક દિલીપ ઉર્ફે કરણ છગનભાઈ નકુમ (ઉં.વ.24, રહે. માકડા, કામરેજ, સુરત) જૂના રેલવે ફાટક નજીક મહાનગરપાલિકાની સિટી બસ કન્ટ્રોલ ઓફિસ નજીક ઉભા હતા. બંને યુવક-યુવતી વાતચીત કરતા હતા. તેવામાં ટાંકી ફળિયામાં રહેતો ચંદન લાલબાબુ ગુપ્તા નામનો વ્યક્તિ ધસી આવ્યો હતો. દિલીપને જોઈ ચંદન ઉશ્કેરાઈ ગયો હતો અને ચપ્પુ વડે શરીર પર ઉપરાછાપરી ઘા ઝિંક્યાં હતા. તેમજ યુવતી પર પણ ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
ઘટનાને પગલે આસપાસના લોકો અને આરપીએફના જવાનો દોડી આવ્યા હતા અને આરોપી ચંદનને પકડી પાડ્યો હતો. જોકે, દિલીપ નકુમને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે મોત થયું હતું. પોલીસે દિલીપની લાશનો કબજો લઈ હોસ્પિટલ મોકલી દીધી હતી. જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવતીને બેભાન અવસ્થામાં એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગત મુજબ, યુવતી અને આરોપી ચંદન ગુપ્તા વચ્ચે ત્રણ વર્ષ અગાઉ પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી. જેને લઈ આરોપી અવરનવર હેરાન પરેશાન કરી લગ્ન માટે દબાણ કરતો હતો. સમગ્ર બનાવ અંગે વાપી ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ચંદન ગુપ્તાની ધરપકડ કરી હતી.