વાપી ડબલ મર્ડર કેસ: વોન્ટેડ શાર્પશૂટર આર્મીમેન જયપુરથી ઝડપાયો, માતાના આડા સંબંધની શંકામાં પુત્રએ સોપારી આપી હતી
Vapi News: વાપીના ચણોદ કોલોનીમાં વર્ષ 2020માં ડબલ મર્ડર કેસમાં વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચે વોન્ટેડ આરોપી શાર્પશૂટર આર્મીમેનને રાજસ્થાનના જયપુરથી પાંચ વર્ષ બાદ ઝડપી પાડયો હતો. આરોપી હાલ જમ્મુ કશ્મીરમાં ક્રાફ્ટમેન તરીકે ફરજ બજાવે છે. સમગ્ર બનાવમાં પુત્રએ જ માતાના આડા સંબંધની શંકા રાખી મિત્રની મદદથી રૂ.2.50 લાખમાં સોપારી આપી ઘટનાને અંજામ આપ્યો હતો. ડબલ મર્ડર કેસમાં પોલીસે અગાઉ પુત્ર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
પુત્રએ માતા પર ચારિત્ર્યની શંકા રાખીને હત્યા કરાવી
મળતી માહિતી મુજબ, વાપીના ચણોદ કોલોની બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા રેખાબહેન બ્રહ્મદેવ મહેતા (મહંતો) તેમની મહારાષ્ટ્રના નાગપુર ખાતે રહેતી બહેનપણી અનિત ઉર્ફે દુર્ગા શેખર ખડશે પર ગત 11 જાન્યુઆરી, 2020ના રોજ મોટર સાયકલ પર આવેલા બે શાર્પશૂટરોએ આડેધડ ગોળીબાર કરી હત્યા કરી ભાગી છૂટયા હતા. જેમાં રેખા અને અનિતાનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી હતી. જેમાં ગુરુ ઉર્ફે બીપીન અને કુંદન ગીરીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા.
સગાપુત્રએ જ માતાના ચારિત્ર્યને લઈ સમાજમાં બદનામી અને કરોડો રૂપિયાની મિલકતને લઈ હત્યાની સોપારી આપી હતી. મિત્રની મદદથી રૂ.૨.૫૦ લાખમાં હત્યા કરવા સોપારી અપાઈ હોવાનું બહાર આવ્યું હતું. જયારે અન્ય આરોપી મુકેશ રવિન્દ્રકુમાર સિંગની ધરપકડ કરાઈ હતી. જયારે પિસ્તલથી હત્યા કરનાર શાર્પશૂટર પંકજકુમાર રામદેવપ્રસાદ શાહને વોન્ટેડ જાહેર કર્યો હતો.
શાર્પશૂટર આર્મીમેન નીકળ્યો
ડબલ મર્ડર કેસમાં આરોપી પંકજકુમાર શાહને ઝડપી પાડવા માટે પોલીસે અનેક પ્રયાસો કર્યા હતા, તેમ છતાં છેલ્લા પાંચ વર્ષથી આરોપી પોલીસ પકડથી દૂર હતો. જ્યારે લોકલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાજસ્થાનના જયપુર નજીકના ચિથવારી ગામે આવેલી હોટલમાંથી પાંચ વર્ષ બાદ શાર્પશૂટર પંકજકુમાર શાહને દબોચી લીધો હતો.
પોલીસ પૂછપરછમાં શાર્પશૂટર પંકજકુમારની છેલ્લા 15 વર્ષથી યુપીના બરેલી, 606 EME બટાલીયના ઈલેકટ્રોનિક એન્ડ મિકેનિકલ એન્જિનિયર વિભાગમાં કર્મચારી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પંકજકુમાર જમ્મુ-કાશ્મીરમાં 119 FWC-135 બ્રિગેડમાં ક્રાફટમેન તરીકે નોકરી કરે છે. પંકજ આર્મીમાંથી રજા પર આવ્યા બાદ રાજસ્થાનના જયપુર વિસ્તારમાં આવેલી હોટલમાં રોકાયો હતો, ત્યારે પોલીસે બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.