Gujarat

વાપીમાં કિશોરી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા, 10 હજારનો દંડ... સેશન્સ કોર્ટનો ચુકાદો

By GS TEAM
11 Jun 20262 mins read
TukuTouch Logo
વાપી વિસ્તારમાં રહેતી એક કિશોરીને લસ્સીમાં માદક પદાર્થ પીવડાવી, તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેના નગ્ન ફોટા અને વીડિયો ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ બ્લેકમેલિંગ કરીને વારંવાર તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું અને અંતે આ ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેવાયા હતા. આ ગંભીર કેસમાં વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા અને રૂપિયા 10,000 નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે, જ્યારે ભોગ બનનાર પીડિતાને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપીમાં કિશોરી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા, 10 હજારનો દંડ... સેશન્સ કોર્ટનો ચુકાદો

Vapi Additional Sessions Court: વાપી વિસ્તારમાં રહેતી એક કિશોરીને લસ્સીમાં માદક પદાર્થ પીવડાવી, તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેના નગ્ન ફોટા અને વીડિયો ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ બ્લેકમેલિંગ કરીને વારંવાર તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું અને અંતે આ ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેવાયા હતા. આ ગંભીર કેસમાં વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા અને રૂપિયા 10,000નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે, જ્યારે ભોગ બનનાર પીડિતાને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

શું છે સમગ્ર કેસ?

કેસની વિગત પર નજર કરીએ તો વાપી વિસ્તારમાં એક પરપ્રાંતિય પરિવાર રહે છે. વર્ષ 2021માં પાડોશમાં રહેતો રાજકુમાર સિંગ આ પરિવારના ઘરે પહોંચ્યો હતો. તે સમયે કામિની (નામ બદલ્યું છે) ઘરે એકલી હોવાથી તેણે તેની લસ્સીમાં નશીલો પદાર્થ ભેળવી દીધો હતો. લસ્સી પીધા બાદ કામિની બેભાન થઈ ગઈ હતી, જેનો લાભ ઉઠાવીને રાજકુમારે તેની પર દુષ્કર્મ આચર્યું હતું અને કામિનીના નગ્ન ફોટા તથા વીડિયો ઉતારી લીધા હતા.

બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ

ત્યારબાદ, રાજકુમારે આ વીડિયો અને ફોટા બતાવીને તેને બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. રાજકુમારે 2 વર્ષના સમયગાળા દરમિયાન કિશોરીને ડરાવી-ધમકાવીને વારંવાર તેનું શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, અંતે રાજકુમારે કામિનીના નગ્ન ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ પણ કરી દીધા હતા.

ફરિયાદ બાદ આરોપીની કરાઇ હતી ધરપકડ

આ ત્રાસથી કંટાળીને આખરે કામિનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે નરાધમ આરોપી રાજકુમારની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલ (પબ્લિક પ્રોસિક્યુટર)એ ભોગ બનનાર પીડિતા, તેના પરિવારજનો અને અન્ય સાક્ષીઓના નિવેદનો તેમજ મેડિકલ રિપોર્ટ સહિતના સજ્જડ પુરાવાઓ રજૂ કર્યા હતા.

કેસના તમામ પાસાઓની સુનાવણી બાદ કોર્ટે આરોપી રાજકુમારને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10,000 નો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. આ સાથે જ ભોગ બનનાર પીડિતાને 'ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ' હેઠળ રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.