Get The App

વાલોડમાં BLO સહાયક મહિલા આચાર્યનું નિધન, 'તણાવ ન હોવાનો' તંત્રનો દાવો શંકાના ઘેરામાં!

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
વાલોડમાં BLO સહાયક મહિલા આચાર્યનું નિધન, 'તણાવ ન હોવાનો' તંત્રનો દાવો શંકાના ઘેરામાં! 1 - image


Valod female principal death : રાજ્યમાં ચાલી રહેલી SIR (મતદાર યાદી સુધારણા કાર્યક્રમ) અને અન્ય ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ વચ્ચે શિક્ષકોના મોતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ગણતરીના દિવસોમાં જ આ તણાવ સંબંધિત ત્રીજી દુઃખદ ઘટના સામે આવી છે. તાપી જિલ્લાના વાલોડમાં BLO સહાયક તરીકે ફરજ બજાવતા એક મહિલા આચાર્ય કલ્પનાબેન પટેલનું હાર્ટ એટેક આવતા કરુણ નિધન થયું છે.

ફરજ પરથી ઘરે આવ્યા બાદ શ્વાસ થંભ્યો

વાલોડ તાલુકાની બેલધા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય (ઉં. 56) તરીકે ફરજ બજાવતા કલ્પનાબેન પટેલને BLO સહાયક તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુરુવારે પોતાની ફરજ બજાવીને પાંચ વાગ્યા બાદ તેઓ ઘરે ગયા હતા. રાત્રિ દરમિયાન કલ્પનાબેનની તબિયત અચાનક લથડતા તેમને સારવાર માટે બારડોલી ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા. આચાર્યના અચાનક નિધનથી સમગ્ર વાલોડ પંથક અને શિક્ષણ જગતમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

વાલોડમાં BLO સહાયક મહિલા આચાર્યનું નિધન, 'તણાવ ન હોવાનો' તંત્રનો દાવો શંકાના ઘેરામાં! 2 - image

કામનું ભારણ ન હોવાનો તંત્રનો દાવો!

આ ઘટનાની ગંભીરતા વચ્ચે તંત્ર તરફથી ચોંકાવનારી પ્રતિક્રિયા મળી છે. મુખ્ય BLO  નારસીંગભાઈ ચૌધરીએ દાવો કર્યો હતો કે, BLO સહાયકની કામગીરીમાં કલ્પનાબેનને કોઈ ટેન્શન નહોતું અને બેલધા ગામ SIRની કામગીરીમાં હાલ ગ્રીન ઝોનમાં છે. તેથી કામનું કોઈ એવું ભારણ ન હતું.

જોકે, શિક્ષક સંઘો અને અન્ય શિક્ષકોમાં આ દાવા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓનો દાવો છે કે કામગીરીનું ભારણ એટલું છે કે દેખીતી રીતે કોઈ ટેન્શન ન દેખાતું હોય તો પણ આંતરિક માનસિક તણાવ જીવલેણ બની રહ્યો છે.

શિક્ષકોના મોતના ઉપરા-ઉપરી ત્રણ બનાવો

આ એક સપ્તાહમાં રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ સંબંધિત આ ત્રીજી ઘટના છે, જેના કારણે રાજ્યના શિક્ષણ બેડામાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે.ઉલ્લેખનીય છે કે, આ ઘટના પહેલાં ગીર સોમનાથના કોડીનારમાં પણ ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે એક શિક્ષકે આપઘાત કરી લીધો હતો. તે અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું પણ BLO કામગીરી દરમિયાન જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

શિક્ષક સંઘો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં શિક્ષણ સિવાયની કામગીરીનું ભારણ યથાવત્ રહેતા, આ પ્રકારની ઘટનાઓ સરકારની નીતિઓ પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે. શિક્ષકોમાં માગણી ઉઠી છે કે આ ભારણ તાત્કાલિક ઘટાડવામાં આવે અને મૃતક શિક્ષકોના પરિવારને યોગ્ય સહાય આપવામાં આવે.

આ પણ વાંચો: SIRની કામગીરીથી કંટાળીને કોડીનારના શિક્ષકની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં તણાવનો ઉલ્લેખ

શિક્ષક સંઘની ઉગ્ર માંગણીઓ 

રાજ્યના વિવિધ શિક્ષક સંઘોએ SIR (મતદાર યાદી સુધારણા)ની કામગીરીના અસહ્ય ભારણને તાત્કાલિક ઘટાડવા અને શિક્ષકોને BLOની ફરજમાંથી મુક્તિ આપવા માટે સરકાર અને ચૂંટણી પંચ સમક્ષ રજૂઆતો કરી છે. રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં BLOની કામગીરીમાં ગેરહાજર રહેતા કે ટાર્ગેટ પૂરો ન કરતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ કાઢવાના નિર્ણય સામે પણ સંઘોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે અને તેને 'ગુલામી પ્રથા' ગણાવી છે.

શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે ખોરવાયું

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના સંગઠનનો આક્ષેપ છે કે, 95% જેટલા પ્રાથમિક શિક્ષકોને BLOની કામગીરી સોંપાઈ છે, જેના કારણે શિક્ષકો સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી આ કામગીરીમાં જોતરાયેલા રહે છે, અને શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે ખોરવાયું છે. શિક્ષક સંઘોની મુખ્ય માંગણી છે કે શિક્ષણ સિવાયની આ કામગીરી અન્ય કેડરના કર્મચારીઓને પણ સોંપવામાં આવે, જેથી શિક્ષકો બાળકોને ભણાવવાના પોતાના મૂળભૂત કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

મહિલા શિક્ષકોને મુક્તિ આપો 

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મહિલા શિક્ષકોને BLOની કામગીરીમાંથી મુક્તિ આપવા અને અન્ય 12 કેડરના કર્મચારીઓને આ કામગીરી સોંપવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

મળતી માહિતી મુજબ SIRની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં 5.08 કરોડ મતદારો માટે લગભગ 50,963 BLO કાર્યરત છે, જેમાંથી મોટા ભાગના શિક્ષકો છે.

Tags :