વડોદરાના બેંક કર્મચારીની લાશ બે દિવસ બાદ નર્મદા નદીમાંથી મળી
તા.૮મીએ નોકરી પર જવા નીકળેલા યુવાનની બાઇક અને હેલ્મેટ માલસર પુલ પાસેથી મળ્યા હતાં

શિનોર તા.૧૦ શિનોર તાલુકાના માલસર પાસે નર્મદા નદીમાં માલસર-અસા પુલ નીચે માલસર ગામ તરફના કિનારે બે દિવસ પહેલાં ગુમ થયેલા વડોદરાના યુવાનની લાશ મળી હતી.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં અલવાનાકા ખાતે રહેતા રામરૃપ સરોજ રાધેશ્યામ સરોજનો પુત્ર દિપક (ઉ.વ.૨૮) ખાનગી બેંકમાં નોકરી કરતો હતો. તા.૮ના રોજ નોકરીએ જવાનું કહી સવારે નવ વાગે બાઇક લઇને નીકળ્યો હતો. પિતા રામરૃપ સરોજ પણ પોતાના ફેબ્રિકેશનના ધંધા પર ગયા હતાં. બપોરે એક વાગે તેઓને પોલીસ કર્મચારીનો ફોન આવ્યો હતો કે નર્મદા નદી પર માલસર આશા પુલ પર એક બાઇક ચાવી સાથે છે અને ત્યાં એક કાળા કલરનો થેલો પણ પડયો છે. થોડા સમય બાદ બેંકમાંથી પણ ફોન આવ્યો હતો કે તમારો દીકરો દિપક આજે બેંકમાં નોકરી પર આવ્યો નથી અને તેનો ફોન પણ બંધ આવે છે.
પોલીસ અને બેંકમાંથી ફોન બાદ રામરુપ સરોજે માલસર અસા પુલ પર પહોંચી પુત્રની બાઇક અને હેલ્મેટ ઓળખી કાઢ્યા હતાં. બાદમાં દિપકની સંબંધીઓ તેમજ મિત્રોને ત્યાં તપાસ કરવા છતાં પત્તો નહી લાગતા તે દિવસે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં દીકરો ગુમ થયા અંગેની જાણવા જોગ જાહેરાત આપી હતી.
દરમિયાન આજે શિનોર તાલુકાના માલસર ગામ તરફના કિનારા નજીક નર્મદા નદીના પાણીમાં માલસર અસા પુલ નીચેથી ગુમ થયેલા દીપકની લાશ મળી આવતા શિનોર પોલીસે મૃતકના પિતાને બોલાવી ઓળખ કરાવી તેમની જાહેરાત લઈ લાશનું ફોરેન્સિક પીએમ કરવા લાશને વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોકલી હતી.

