Get The App

વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલને 30 દિવસમાં સુધારો કરવા GPCBની નોટિસ, જાહેરમાં ફેંક્યો હતો બાયોમેડિકલ કચરો

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલને 30 દિવસમાં સુધારો કરવા GPCBની નોટિસ, જાહેરમાં ફેંક્યો હતો બાયોમેડિકલ કચરો 1 - image


Vadodara News : વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા જાહેર સ્થળોએ ગેરકાયદે બાયો કચરાનો નિકાલ કરાયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરી છે. જાહેરમાં કચરાનો નિકાલ કરવાને લઈને GPCBએ હોસ્પિટલને નોટીસ ફટકારી છે. જેમાં જણાવ્યું છે કે, જો 30 દિવસમાં નિયમો મુજબ સુધારો કરવામાં નહીં આવે તો વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. 

સ્ટર્લિંગ હોસ્પિટલે જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કર્યો

મળતી માહિતી મુજબ, તાજેતરમાં સ્ટર્લિંગ હોસ્પિટલે પોતાની હોસ્પિટલમાંથી દરરોજની જેમ કચરાનો જથ્થો ટ્રેક્ટરમાં ઠાલવીને ગોત્રી ગાર્ડન ખાતે નાખ્યો હતો. આ કચરામાંથી અમુક જથ્થો બાયો વેસ્ટ મળી આવતા વડોદરા કોર્પોરેશનની ગોત્રી ગાર્ડન શાખાના કર્મચારીઓને જાણ થતા તેઓએ સોલિડ વેસ્ટ વિભાગને જાણ કરી હતી. આ પછી સોલિડ વેસ્ટ વિભાગે તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરી હતી. 

આ પણ વાંચો: સરદાર સરોવર નર્મદા ડેમ 70 ટકા ભરાયો, કાલે સવારે ડેમના 5 ગેટ ખોલાશે, 27 ગામ એલર્ટ પર

હોસ્પિટલે બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સનું ઉલ્લંઘન કર્યુ

સમગ્ર મામલે બોર્ડ અને પાલિકાની વિવિધ ટીમોની હાજરીમાં ક્વોન્ટમા એન્વાયરમેન્ટ એન્જિનિયરોએ ઘટના સ્થળેથી કચરો એકત્રિત કરીને તેનું વિશ્લેષણ કર્યા બાદ તેનો અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં સ્ટર્લિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા પ્રા. લિ. ( રેશકોર્ષ સર્કલ, વડોદરા) સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બાયોમેડિકલ વેસ્ટ રૂલ્સ 2016 ની જોગવાઈનું ઉલ્લંઘન કર્યુ હોવાનું જણાવ્યું હતું. જે પર્યાવરણ અધિનિયમ 1986ની કલમ 15 હેઠળ સજાપાત્ર ગુનો બને છે. તેમાં 5 વર્ષ સુધી કેદ અથવા 1 લાખ સુધી દંડ અથવા બંનેની જોગવાઈ છે. 

આ પણ વાંચો: સાબર અને કાળીયારના શિંગડા વેચવા નીકળેલી ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા

બોર્ડના સભ્ય સચિવને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ હેઠળની જોગવાઈના આધારે સ્ટર્લિંગ હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઈ છે. જેમાં GPCBએ 30 દિવસ બાદ સુધારો ન થાય તો વીજ પુરવઠો બંધ કરવા નિર્દેશ આપ્યા છે. તેમજ આદેશ બાદ કોઈપણ નવા દર્દી દાખલ ન કરવા તથા દાખલ દર્દીઓને અન્ય સુરક્ષિત સ્થળોએ ખસેડવા જણાવ્યું છે. જ્યારે હોસ્પિટલ 30 દિવસમાં દંડની રકમ ભરપાઈ કરીને નિયમોના અમલીકરણ સાથે આદેશ સામે સ્ટે મેળવી શકે છે.

Tags :