સાબર અને કાળીયારના શિંગડા વેચવા નીકળેલી ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા
નાના ચિલોડા પાસે સીઆઇડી ક્રાઇમની કાર્યવાહી
બનાવટી નંબર પ્લેટવાળી કાર પણ પોલીસે જપ્ત કરી જંગલી સુવરના કિંમતી દાંત પણ મળી આવ્યા
અમદાવાદ,બુધવાર
સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા નાના ચિલોડા પાસે એક બનાવટી નંબર પ્લેટ વાળી કારમાંથી સાબર અને હરણના શિંગડા તેમજ જંગલી સુવરના બે દાંત સાથે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. શિંગડા અને દાંત ક્યાંથી લાવ્યા હતા? અને કોને વેચાણ પેટે આપવાના હતા? તે અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર એ વાય બલોચને બાતમી મળી હતી કે નાના ચિલોડાથી મોટા ચિલોડા વચ્ચે એક કારમાં ત્રણ શખ્સો કાળીયાર હરણ અને સાબરના શિંગડા વેચાણ માટે ફરી રહ્યા છે. જેના આધારે વોચ ગોઠવીને ચોક્કસ નંબર પ્લેટ વાળી કારને ટ્રેક કરીને તપાસ કરતા તેમાંથી એક બેગમાં સાબર અને કાળીયાર હરણના શિંગડા તેમજ જંગલી સુવરના બે દાંત મળી આવ્યા હતા.
આ અંગે પોલીસે મયુર ગોહેલ (રહે.અરૂણ પાર્ક, નડિયાદ), આમીર સોહેલ વ્હોરા (રહે. શાલીમાર સોસાયટી,ખેડા) અને રીઝવાન હુસૈન શેખ (રહે. માતર, ખેડા)ની અટકાયત કરીને પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યા નહોતા. બીજી તરફ તેમણે કારમાં બોગસ નંબર પ્લેટ પણ લગાવી હતી. જેથી હરણનો શિકાર કરીને અથવા કોઇ પાસેથી શિંગડા મેળવીને વેચાણ કરવામાં આવતું હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.