'ફોન જમા કરી લીધો, 5 મહિનાથી પગાર નથી આપતા', થાઈલેન્ડમાં ફસાયેલા વડોદરાના યુવકનું દર્દ

Vadodara News: વિદેશમાં ઉજ્જવળ ભવિષ્ય અને સારી કમાણીના સપના જોઇને ગયેલા વડોદરાના એક યુવક સાથે દુઃખદ ઘટના બની છે. શહેરના સમા વિસ્તારમાં રહેતો તુષાર નાગરભાઈ રાણપરા નામનો યુવક થાઈલેન્ડમાં નોકરીદાતાઓની ચૂંગાલમાં ફસાઈ ગયો છે, જ્યાં છેલ્લા પાંચ મહિનાથી તેને પગાર ચૂકવવામાં આવ્યો નથી અને તેનો ફોન પણ છીનવી લેવામાં આવ્યો છે. તુષારે કોઈક રીતે બીજાના ફોનમાંથી તેના પિતાને એક દર્દભર્યો વોઈસ મેસેજ મોકલ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત વિગતો મુજબ, તુષાર રાણપરા વર્ષ 2024માં વડોદરાના બે એજન્ટો વેદ અને કુશાંગ તેમજ દુબઈ સ્થિત એજન્ટ અભિષેક સિંહ મારફતે નોકરી માટે દુબઈ ગયો હતો. ત્યાંથી હોંગકોંગ ગયો હતો અને ત્યારબાદ પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. જેના કારણે પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. આખરે થોડા દિવસો પહેલા તુષારે તેના પિતા નાગરભાઈને એક અજાણ્યા નંબર પરથી વોઈસ મેસેજ મોકલીને પોતાની આપવીતી જણાવી હતી.
આ પણ વાંચો: થાઇલેન્ડમાં નોકરીના નામે યુવકોને લઇ જવાનાસ્કેમમાં વડોદરાનો અભિષેક રડાર પર
વોઇસ મેસેજમાં દર્દભરી રજૂઆત
પિતાને મોકલેલા વોઈસ મેસેજમાં તુષારે જણાવ્યું કે, 'હું થાઈલેન્ડમાં છું અને અહીં કંપનીએ છેલ્લા પાંચ મહિનાથી મને પગાર આપ્યો નથી. મારો ફોન પણ લઈ લીધો છે. કોઈએ મને બંધક બનાવ્યો નથી, પરંતુ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેણે વધુમાં જણાવ્યું કે, 'જેવો મને મારો પગાર મળશે, હું તરત જ ભારત પાછો આવી જઈશ. આ બીજા કોઈનો ફોન છે, એટલે હું તેમાંથી બધી વિગતો ડિલીટ કરી રહ્યો છું. જ્યારે કંપનીવાળા મારો ફોન પાછો આપશે, ત્યારે હું વીડિયો કોલ કરીશ.' આટલું કહીને તેણે પરિવારને ચિંતા ન કરવા જણાવ્યું હતું.
પુત્રનો આ વોઈસ મેસેજ સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેમણે તાત્કાલિક વડોદરા પોલીસનો સંપર્ક કર્યો અને ત્રણેય એજન્ટો - વેદ, કુશાંગ અને અભિષેક સિંહ વિરુદ્ધ અરજી આપીને છેતરપિંડી અને તેમના પુત્રને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરાના પોલીસ કમિશનરે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તુષારના પિતા નાગરભાઈનું નિવેદન નોંધીને એજન્ટોની પૂછપરછ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ એજન્ટોની ભૂમિકા અને સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે.
આ ઘટના વિદેશમાં નોકરીની લાલચમાં જતા યુવાનો અને તેમના પરિવારો માટે એક ચેતવણી સમાન છે. કોઈપણ એજન્ટ પર આંધળો વિશ્વાસ કરતા પહેલા તેની સંપૂર્ણ ખરાઈ કરવી અને વિદેશમાં નોકરી આપતી કંપની વિશે ઊંડાણપૂર્વક તપાસ કરવી અત્યંત જરૂરી છે, નહીંતર સપનાઓની દુનિયા એક દુઃસ્વપ્નમાં ફેરવાઈ શકે છે.