થાઇલેન્ડમાં નોકરીના નામે યુવકોને લઇ જવાનાસ્કેમમાં વડોદરાનો અભિષેક રડાર પર
વડોદરાઃ થાઇલેન્ડમાં નોકરીના નામે યુવકોને ગોંધી રાખવાના બહુચર્ચિત સ્કેમમાં અમદાવાદ સાયબર સેલની તપાસમાં પણ વડોદરાના અભિષેક નું નામ બહાર આવતાં તેની તપાસ હાથ ધરાઇ છે.
ન્યુ સમા રોડના તુષાર રાણપરા નામના યુવકનો છ મહિનાથી પત્તો નહિ હોવાના કિસ્સામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.ત્યારે તુષાર સુરક્ષિત હોવાની કોઇ અજાણી વ્યક્તિ દ્વારા વિગતો મળતાં પરિવારને થોડે અંશે રાહત થઇ છે.
તુષારના કેસમાં દુબઇમાં અભિષેકનું નામ ખૂલ્યું હતું.જ્યારે થોડા સમય પહેલાં અમદાવાદ સાયબર સેલે પણ આવું જ એક સ્કેમ પકડયું હતું અને તેમાં વડોદરાના વિઝા કન્સલટન્ટ કિંજલની ધરપકડ પણ કરવામાં આવી હતી.આ પ્રકરણમાં પણ વડોદરાના અભિષેક નામના કોઇ એજન્ટનું નામ ખૂલ્યું હોવાથી અમદાવાદ પોલીસ તેની તપાસ કરી રહી છે.
વડોદરાના તુષાર અને અમદાવાદના થાઇલેન્ડથી છૂટેલા પીડિત યુવકના કેસમાં ચર્ચામાં આવેલો અભિષેક એક જ છે કે અલગ અલગ છે તે પણ તપાસનો વિષય છે. અમદાવાદના યુવકને આવી જ રીતે થાઇલેન્ડ લઇ જવાયો હતો અને ત્યાંથી કંપનીએ રૃ.૩.૫૦ લાખ જેટલી રકમ ભરાવ્યા બાદ છોડયો હતો.
યુવકોને અજ્ઞાાત સ્થળે ૨૦ દિવસ સુધી સાયબરની ટ્રેનિંગ અપાય છે
યુવકોને ટુરિસ્ટ વિઝા પર લઇ જવાયા બાદ નોકરીના નામે ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવી થાઇલેન્ડ થી મ્યાનમાર લઇ જવામાં આવતા હોવાના પણ કિસ્સા બન્યા છે.જેમાં ભોગ બનેલા યુવકોએ તેમને બેંગકોકથી ૩૦૦ કિમી દૂર લઇ જઇ ૧૫ કિમી જેટલું ચલાવીને નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવવામાં આવતી હોવાની કેફિયત વર્ણવી હતી.આ ઉપરાંત તેમને ૨૦ દિવસની સાયબરની ટ્રેનિંગપણ આપવામાં આવતી હોય છે.જ્યારે એક લાખ જેટલો સેલરી અને રહેવાની વ્યવસ્થાની વાત કરવામાં આવતી હોય છે.