Vadodara News: ઉત્તરપ્રદેશમાં સંગમ તટ પર આયોજિત માઘ મેળામાં જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ અને સાધુઓ પર અત્યાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા આજે ન્યાય મંદિર ખાતે ભગતસિંહ ચોક પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર મહારાજ પાસે શંકરાચાર્ય હોવાનો પ્રમાણ માગીને પોતાની સનાતન વિરોધી માનસિકતા જાહેર કરી છે. આ વિરોધ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા પર કાળી ઇન્ક નાખી પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

7 કાર્યકરોને ટીંગાટોળી કરી અટકાયત
વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ તેમજ રાવપુરા અને નવાપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા, NSUI પ્રમુખ અમર વાઘેલા, તીર્થ બ્રહ્મભટ્ટ સહિત કુલ 7 કાર્યકરોને ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. થોડા સમય માટે જાહેર રોડ પણ તણાતણીના દ્રશ્યો સર્જાયા હતા.
'ભાજપ સરકાર હિન્દુ વિરોધી': યુથ કોંગ્રેસ
યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓએ જણાવ્યું હતું કે, 'યોગી સરકાર હિન્દુત્વના નામે મત મેળવે છે પરંતુ હિન્દુ સંતોનું અપમાન કરે છે'. ભાજપ હિન્દુના નામે રાજનીતિ કરી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સાથે જ પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠાવી ભાજપ સરકારને હિન્દુ વિરોધી ગણાવી ટીકા કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ, વાસણામાં સરાજાહેર કારને આંતરીને ચાર શખ્સોએ કરી ધોકાવાળી
શું છે સમગ્ર વિવાદ?
રવિવારે (18 જાન્યુઆરી, 2026) સવારે લગભગ 9:47 વાગ્યે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેમના અનુયાયીઓ સાથે પાલખીમાં સવાર થઈને સંગમ કિનારે પહોંચ્યા હતા. સંગમ તટ પર જ્યાંથી ઘાટ માત્ર 50 મીટર દૂર હતો, ત્યાં પ્રશાસને તેમને પાલખીમાં બેસીને આગળ વધતા અટકાવ્યા હતા અને પગપાળા સ્નાન કરવા વિનંતી કરી હતી. જોકે તેમના અનુયાયીઓએ વિરોધ કર્યો હતો અને ધક્કા-મુક્કી કરતા સંગમ વોચ ટાવર સુધી પહોંચી ગયા હતા. આ મામલો વધુ વણસ્યો જ્યારે પોલીસ બળે શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ કર્યો અને તેમના કેટલાક અનુયાયીઓને ઘસડીને પોલીસ ચોકીમાં લઈ જવાયા હતા. સ્થિતિ એવી વણસી હતી કે, અવિમુક્તેશ્વરાનંદે મેળા અને સ્થાનિક તંત્ર વિરુદ્ધ દેખાવ કરવાની સાથે ધરણા કર્યા હતા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે પ્રયાગરાજ મેળા તંત્રએ તેમને બે નોટિસ ફટકારી હતી, જેને લઈને સંત સમાજ નારાજ થયો છે.


