Ahmedabad News: અમદાવાદમાં લુખ્ખા તત્વોને જાણે છૂટો દોર મળી ગયો છે. ન તેમને પોલીસનો ડર છે ન તો કાયદાનો, બસ રાત પડે અને નબીરાઓનો આતંક શરૂ, અમદાવાદના વાસણા વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ફિલ્મી ઢબે તોડફોડના દ્રશ્યો સર્જાયા હતા. વાસણાના પ્રવીણનગર પાસે એક બ્રેઝા કારમાંથી ઉતરેલા ચાર શખ્સોએ થાર ગાડીને આંતરી હતી, જે બાદ લોખંડના પાઈપ અને ડંડા વડે તોડફોડ કરી વિસ્તારને બાનમાં લીધો હતો.
શું છે સમગ્ર ઘટના?
ગઈકાલે રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસનો સમય હતો, જ્યારે રસ્તા પર અવરજવર ઓછી હતી, અચાનક એક સફેદ બ્રેઝા કારે થાર ગાડીનો પીછો કરી છે, તેને પ્રવીણનગર પાસે આંતરીને ઉભી રખાવે છે બાદમાં કારમાંથી ચાર શખ્સો પાઈપ અને ડંડા સાથે નીચે ઉતરે છે. કાંઈ પણ વિચાર્યા વગર થારના કાચ ફોડવાનું શરૂ કરી વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરે છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલાખોરો કેટલા બેફામ હતા.
પોલીસ કોન્સ્ટેબલ તમાશો જોતો રહ્યો
અરે હદ તો ત્યારે થાય છે કે જ્યારે આરોપીઓ ઘટનાસ્થળે લાકડી અને પાઈપથી આતંક મચાવતા હતા ત્યારે નજીકમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ ત્યાં હાજર હતા. છતાં પણ કોઈ પગલાં ન લેવાતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે કે શું આવા લુખ્ખા તત્વોને પોલીસ છાવરી રહી છે? કેમ તાત્કાલિક કડક પગલાં લેવામાં ન આવ્યા, આવા લુખ્ખા તત્વોથી પોલીસ ડરી રહી છે કે પછી કાયદો હાથમાં લેવાનો છૂટો દોર આપી દીધો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં દરરોજ 25 લોકોની આત્મહત્યા; પ્રેમસંબંધ, આર્થિક સંકટ અને તણાવ મુખ્ય કારણ
લોકોમાં ડર, કાર્યવાહીનો દેખાડો
ભરચક રહેતા વાસણા વિસ્તારમાં આ પ્રકારે ખાનગી વાહનમાં આવીને તોડફોડ અને અપહરણ જેવો પ્રયાસ થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કયા ઈરાદે કાર ચાલક પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો? શું લૂંટ કે અપહરણનો હતો પ્રયાસ? સવાલ અનેક છે પણ વાસણા પોલીસ હાથ પર હાથ ધરી બેઠી છે તપાસના નામે નાટક કરી રહી છે.


