Gujarat

વડોદરાથી 'સાયબર સ્લેવરી' રેકેટ ચલાવતી મહિલા ઝડપાઈ, વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી ચલાવતી રેકેટ

By GS TEAM
25 Nov 20252 mins read
TukuTouch Logo
વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી સાયબર સ્લેવરીનું રેકેટ ચલાવતી એક મહિલા ઝડપાઈ છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCoE)ની ટીમે વડોદરાના ઉંડેરા, ગોરવા વિસ્તારમાંથી આ રેકેટમાં સબ-એજન્ટ તરીકે કામ કરતી મુખ્ય આરોપી પાયલ ચૌહાણની ધરપકડ કરી છે. આ મહિલા સાયબર સ્લેવરીની ગેંગમાં એક્ટિવ હતી અને ગુજરાતના યુવાનોને ઊંચા પગારની નોકરીની લાલચ આપીને પાકિસ્તાની એજન્ટોના સપોર્ટથી દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલીને 'સાયબર સ્લેવરી' અને માનવ તસ્કરીનું જટિલ રેકેટ ચલાવતી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાથી 'સાયબર સ્લેવરી' રેકેટ ચલાવતી મહિલા ઝડપાઈ, વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી ચલાવતી રેકેટ

Cyber Slavery Racket Exposed in Vadodara: વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી સાયબર સ્લેવરીનું રેકેટ ચલાવતી એક મહિલા ઝડપાઈ છે.  સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCoE)ની ટીમે વડોદરાના ઉંડેરા, ગોરવા વિસ્તારમાંથી આ રેકેટમાં સબ-એજન્ટ તરીકે કામ કરતી મુખ્ય આરોપી પાયલ ચૌહાણની ધરપકડ કરી છે. આ મહિલા સાયબર સ્લેવરીની ગેંગમાં એક્ટિવ હતી અને ગુજરાતના યુવાનોને ઊંચા પગારની નોકરીની લાલચ આપીને પાકિસ્તાની એજન્ટોના સપોર્ટથી દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલીને 'સાયબર સ્લેવરી' અને માનવ તસ્કરીનું જટિલ રેકેટ ચલાવતી હતી. 

જાણો શું છે સમગ્ર મામલો

પકડાયેલી મહિલા આરોપી પાયલ ચૌહાણનું મુખ્ય કામ ગુજરાતના નાગરિકોને વિદેશમાં ડેટા એન્ટ્રી જેવી નોકરીઓની લાલચ આપીને તેમની ટિકિટ બુક કરાવવાનું હતું. તે મુખ્ય આરોપી નીલેશ ઉર્ફે નીલ પુરોહિતના સબ-એજન્ટ તરીકે કામ કરતી હતી. ભોગ બનનાર નાગરિકો દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોના એરપોર્ટ પર પહોંચતા જ ચાઈનીઝ ગેંગના એજન્ટો દ્વારા તેમના પાસપોર્ટ, મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો તાત્કાલિક જપ્ત કરી લેવામાં આવતા હતા. ત્યાર બાદ તેમને ગેરકાયદે રીતે મોઈ નદી મારફતે સરહદ પાર કરાવીને મ્યાનમારના સરહદી વિસ્તારમાં આવેલા કે.કે. પાર્ક, મ્યાવાડી ટાઉનશિપ ખાતે લઈ જવામાં આવતા હતા.

આ ભારતીય યુવાનોને મ્યાનમારના ગેરકાયદે ચાલતા ચાઈનીઝ હબમાં બંધક બનાવીને રાખવામાં આવતા હતા. ત્યાં તેમને 'સાયબર સ્લેવ' તરીકે ઉપયોગમાં લઈને ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ અને ડેટિંગ એપ દ્વારા થતી છેતરપિંડી જેવા વિવિધ સાયબર ગુનાઓ કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. જો કોઈ નાગરિક સહકાર આપવાનો ઇનકાર કરે, તો તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપીને લાંબા સમય સુધી ગેરકાયદે અટકાયતમાં રાખવામાં આવતા હતા, જે એક પ્રકારની આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીનો ગંભીર મામલો છે.

આ પણ વાંચો: મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ખેલાયો ખૂની ખેલ, નિવૃત્ત આર્મીમેનના પુત્રની ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હત્યા

આરોપીના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાની અને નેપાળી નાગરિકોની વિગતો મળી

CCoE દ્વારા કરવામાં આવેલી તપાસમાં પાયલ ચૌહાણના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાની અને નેપાળી નાગરિકોના પાસપોર્ટની વિગતો મળી આવી છે, જે આ રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શનને મજબૂત બનાવે છે. એટલું જ નહીં, આ મહિલા આરોપી સાયબર સ્લેવરી ઉપરાંત ક્રિકેટ સટ્ટા, ગેમિંગ આઈડી, ક્રિપ્ટો અને મ્યુલ એકાઉન્ટ પૂરા પાડવાનું કામ પણ કરતી હતી. તેણીએ દુબઈ અને ગોવા ખાતે ચાલતા ઓનલાઈન ગેમિંગ સટ્ટાની માસ્ટર આઈડી પર પણ કામગીરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ રેકેટનો પર્દાફાશ થતા ભારત સરકાર, થાઈલેન્ડ અને મ્યાનમાર સરકારના સહયોગથી ત્યાં આર્મી રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને ભારતીય નાગરિકોને મુક્ત કરાવીને પરત લાવવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 4000 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. તેમની પૂછપરછમાં મુખ્ય આરોપી નીલ પુરોહિતની સંડોવણી જણાઈ હતી, જેના આધારે તેની સબ-એજન્ટ પાયલ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ, એક આઇપેડ અને એક લેપટોપ સહિતનો ડિજિટલ સામાન જપ્ત કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.