Get The App

મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ખેલાયો ખૂની ખેલ, નિવૃત્ત આર્મીમેનના પુત્રની ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હત્યા

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ખેલાયો ખૂની ખેલ, નિવૃત્ત આર્મીમેનના પુત્રની ચપ્પુના ઘા ઝીંકી કરાઈ હત્યા 1 - image

Ahmedabad Crime: અમદાવાદના મેઘાણીનગર બસ સ્ટેન્ડ પર ઘાતકી હત્યા થયાની ઘટના સામે આવી છે. અહીં બે જૂથ વચ્ચે તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો વડે થયેલા હુમલામાં એક યુવકની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવકની ઓળખ હિંમતસિંહ પવાર તરીકે થઈ છે, જે નિવૃત્ત આર્મીમેન જયસિંહ પવારના પુત્ર હતા. મહત્ત્વનું છે કે, સામાન્ય ઝઘડામાંથી શરૂ થયેલી બબાત જોતજોતામાં હત્યામાં પરિણમી હતી. આ મામલે પોલીસે બંને જૂથોની સામસામે ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચોઃ ઇથોપિયાના જ્વાળામુખીની ગુજરાત પર અસર: હાયલી ગુબી'ની રાખ વડોદરા સુધી પહોંચવાની શક્યતા

હિતેશ ઉર્ફે બુચિયો પટણીની ટોળકીએ કર્યો હુમલો

મળતી માહિતી મુજબ, હિંમતસિંહ પવારનો ઝઘડો સ્થાનિક યુવક હિતેશ ઉર્ફે બુચિયો પટણી અને તેના સાગરીતો સાથે થયો હતો. આ ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતાં હિતેશ પટણી, તેનો ભાઈ પીકાચુ પટણી, અજય પટણી અને નિકુલ ઉર્ફે દતો પટણી સહિતની ટોળકીએ હિંમતસિંહ પવાર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હિંમતસિંહના શરીર પર ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન આજે સવારે હિંમતસિંહનું કરુણ મોત નિપજ્યું હતું, જેના પગલે આ મામલો હત્યામાં પલટાયો છે.

પુત્રનું મોત થતાં નિવૃત્ત આર્મીમેને ફરિયાદ નોંધાવી

પુત્રનું મોત થતાં નિવૃત્ત આર્મીમેન જયસિંહ પવારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હિતેશ ઉર્ફે બુચિયો પટણી અને તેના સાગરીતો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના સાયલામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ : 2.79 કરોડનો ગાંજાનો જથ્થો SOGની ઝપટે

સામા પક્ષે પણ તલવારથી હુમલાની ફરિયાદ

આ હિંસક ઘટનામાં સામેલ બીજા જૂથ તરફથી પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. સામા પક્ષના હિતેશ ઉર્ફે બુચિયો પટણીએ દાવો કર્યો છે કે હિંમતસિંહ પાવરે જ રિક્ષા બેફામ ચલાવવા જેવી સામાન્ય બાબતે તેની સાથે ઝઘડો કર્યો હતો. હિતેશે પોલીસને જણાવ્યું કે હિંમતસિંહે તલવાર વડે તેના પર હુમલો કર્યો હતો. જ્યારે હિતેશનો ભાઈ નિકુલ, પીકાચુ અને અજય આ ઝઘડામાં વચ્ચે પડ્યા, ત્યારે હિંમતસિંહે તેમની પર પણ તલવાર વડે હુમલો કર્યો હતો. આ વળતા હુમલામાં નિકુલને તલવાર વાગતા તે પણ ઈજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ રીતે, હિતેશે મૃતક હિંમતસિંગ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે.