વડોદરામાં પ્રેમલગ્ન બાદ યુવતી પાસેથી 15 લાખ પડાવ્યા, પૈસા પરત માગતા અશ્લીલ ફોટા વાઈરલ કરવાની ધમકી

Vadodara News: વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાએ પોતાના પતિ અને સાસરિયાં વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ તેના પતિ પર છેતરપિંડી આચરીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવા, વિદેશમાં નોકરીના બહાને લાખો રૂપિયા પડાવી લેવા, શારીરિક-માનસિક ત્રાસ આપવા અને પૈસા પાછા માંગતા અશ્લીલ ફોટા-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત, સાસરિયાં પર તાંત્રિક વિધિ કરાવી વશમાં રાખવાનો પ્રયાસ કરવાનો પણ ગંભીર આક્ષેપ છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પ્રેમ સંબંધ અને 15 લાખ રૂપિયાની છેતરપિંડી
મળતી માહિતી અનુસાર, વડોદરાની અને ખાનગી બેન્કમાં નોકરી કરતી ફરિયાદી મહિલાની ઓળખ પાર્થ રોહિત સાથે કામના સંદર્ભમાં થઈ હતી. આ ઓળખાણ ધીમે ધીમે પ્રેમ સંબંધમાં પરિણમી. જોકે, શરૂઆતમાં મહિલાએ લગ્ન કરવાની ના પાડી હતી, પરંતુ પાર્થના સતત દબાણ અને ભાવનાત્મક બ્લેકમેઈલના કારણે તે લવ-મેરેજ કરવા તૈયાર થઈ અને બંનેએ રજિસ્ટ્રેશન કરાવ્યું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્ન બાદ પાર્થ રોહિતે વિદેશમાં નોકરી મેળવવાની વાત કરી પત્ની પાસેથી કુલ 15 લાખ રૂપિયા પડાવ્યા હતા.
આ પણ વાંચો: વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા મોડીફાઇ કરેલા 108 સાઇલેન્સરોનો નાશ કરાયો
શારીરિક-માનસિક ત્રાસ અને બ્લેકમેઇલિંગ
લગ્ન બાદ મહિલા ગોરવા સ્થિત સાસરીમાં રહેવા ગઈ, જ્યાં શરૂઆતમાં સંબંધો સામાન્ય રહ્યા. જોકે, થોડા સમયમાં જ સાસુએ નાની-નાની બાબતોમાં ઝઘડા શરૂ કર્યા. પતિ પાર્થ પણ સાસરિયાંની તરફેણ કરી પત્નીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. જ્યારે મહિલાએ પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે પતિએ ધમકી આપી કે જો પૈસા પાછા માંગશે તો તેના અશ્લીલ ફોટા અને વીડિયો વાઈરલ કરી દેશે અને જાનથી મારી નાખશે.
સસરા પર તાંત્રિક વિધિ કરવાનો આક્ષેપ
ફરિયાદી પરિણીતાએ સાસરિયાં પર અત્યાચારની હદ વટાવી દેવાનો આક્ષેપ કર્યો છે. પીડિતાના સસરાએ નડિયાદના એક તાંત્રિકને બોલાવીને તાંત્રિક વિધિ કરાવી હતી, જેનો હેતુ મહિલાને વશમાં રાખવાનો હતો. પતિ અને સાસરિયાંના સતત ત્રાસ અને ધમકીઓથી કંટાળીને મહિલા આખરે સાસરું છોડી પિયર પરત ફરી હતી. ત્યાં માતાને સમગ્ર હકીકત જણાવ્યા બાદ તેણે ગોરવા પોલીસ સ્ટેશનમાં પતિ પાર્થ રોહિત, સાસુ, સસરા અને જેઠ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડી, માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીઓ આપવા બદલ ગુનો દાખલ કરીને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.