Get The App

વડોદરા: કરજણના ચોરભુજમાં મગરની કરપીણ હત્યા, લાકડીઓથી ફટકારી મોતને ઘાટ ઉતારનાર બે આરોપીની ધરપકડ

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા: કરજણના ચોરભુજમાં મગરની કરપીણ હત્યા, લાકડીઓથી ફટકારી મોતને ઘાટ ઉતારનાર બે આરોપીની ધરપકડ 1 - image


Vadodara News: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરભુજ ગામે માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. ગામના તળાવ નજીક એક મગરને લાકડીઓ વડે અત્યંત ક્રૂરતાપૂર્વક મારી નાખવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે. આ મામલે વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરી બે શખસોની ધરપકડ કરી છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, ચોરભુજ ગામના પાદરમાં આવેલા તળાવ નજીક એક મગર આવી ચઢ્યો હતો. સામાન્ય રીતે વન વિભાગને જાણ કરવાને બદલે, સ્થાનિક કેટલાક શખસોએ કાયદો હાથમાં લીધો હતો. વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મગર પર લાકડીઓ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા. નિર્દયતાની હદ તો ત્યારે વટાવી જ્યારે મગર અધમૂવો થઈ ગયો છતાં તેને માર મારવાનું ચાલુ રાખ્યું અને અંતે તેને મોતને ઘાટ ઉતારી તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

વન વિભાગની એક્શન

આ ઘટનાનો વીડિયો વન વિભાગના અધિકારીઓના ધ્યાન પર આવતા જ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરી હતી. વન વિભાગે આ ગુનામાં સંડોવાયેલા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. 

વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ (વન્યજીવ સંરક્ષણ અધિનિયમ) હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મહેસાણામાં લગ્ન સમારોહમાં વરઘોડો કાઢવા મામલે પથ્થરમારો, 7 શખસોએ કર્યો હુમલો, મહિલા ઈજાગ્રસ્ત

વન્યજીવો પ્રત્યે વધતી અસહિષ્ણુતા?

વડોદરા જિલ્લો મગરોનું નિવાસસ્થાન ગણાય છે, ત્યારે અવારનવાર મગરો રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા હોય છે. વન વિભાગ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે કોઈપણ વન્યજીવ દેખાય તો તેની જાણ તુરંત વિભાગને કરવી, પરંતુ ચોરભુજની આ ઘટનાએ પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે. નોંધનીય છે કે વન્યજીવની હત્યા એ ગંભીર ગુનો છે અને તેમાં બિનજામીનપાત્ર જેલની સજાની જોગવાઈ છે.