Get The App

મહેસાણામાં લગ્ન સમારોહમાં વરઘોડો કાઢવા મામલે પથ્થરમારો, 7 શખસોએ કર્યો હુમલો, મહિલા ઈજાગ્રસ્ત

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
મહેસાણામાં લગ્ન સમારોહમાં વરઘોડો કાઢવા મામલે પથ્થરમારો, 7 શખસોએ કર્યો હુમલો, મહિલા ઈજાગ્રસ્ત 1 - image


Mehsana News: મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના બેડસ્મા ગામમાં એક યુવાનના વરઘોડા પર ગામના જ કેટલાક શખસોએ હિંસક હુમલો કર્યો. "વરઘોડો કોને પૂછીને કાઢ્યો છે?" તેમ કહી સાત શખસોએ પથ્થરમારો કરતા વરરાજાના સંબંધી મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર,  મહેસાણાના બેડસ્મા ગામે રહેતા પ્રધાનજી ચૌહાણના પુત્ર નવઘણસિંહના લગ્ન હોવાથી ગત 23મી જાન્યુઆરીની સાંજે ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડો જ્યારે ગામના ચોકમાં પહોંચ્યો, ત્યારે કાળુસિંહ અને રાજદીપસિંહ ચૌહાણ ત્યાં ધસી આવ્યા હતા. 'બેન્ડ-વાજા બંધ કરી દો' તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. જોતજોતામાં અન્ય પાંચ શખસો પણ લાકડીઓ અને પથ્થરો સાથે ત્યાં પહોંચ્યા હતા અને વરઘોડા પર પથ્થરમારો શરૂ કર્યો હતો.

આ પણ વાંચો: ચોટીલાના પૂર્વ ધારાસભ્યએ SIRમાં ખેલની પોલ ખોલી, કહ્યું-પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ કાઢી નાખવા ફોર્મ 7 ભરાયું

મહિલા ઈજાગ્રસ્ત, નાસભાગ મચી

અચાનક થયેલા પથ્થરમારાને કારણે વરઘોડામાં સામેલ મહેમાનો અને મહિલાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં વરરાજાના સંબંધી ઉદલબા સિધ્ધરાજસિંહને માથાના ભાગે પથ્થર વાગતા તેઓ લોહીલુહાણ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે સતલાસણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સાત શખસો સામે ફરિયાદ નોંધાઈ

આ મામલે પ્રધાનજી ચૌહાણે સતલાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાળુસિંહ ચૌહાણ, રાજદીપસિંહ ચૌહાણ, વિક્રમસિંહ ચૌહાણ, સંજયસિંહ ચૌહાણ, ભરતસિંહ ચૌહાણ, વિક્રમસિંહ ચૌહાણ અને નિલેશસિંહ ચૌહાણ સામે રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સતલાસણા પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ પંચનામું કર્યું છે. ગામમાં ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યાં છે.