વડોદરા, તા. 27 જાન્યુઆરી 2020 સોમવાર
ચીનમાં કોરોના વાયરસનો ભરડો લીધો છે તેવામાં 100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. 100 ગુજરાતી સહિત ભારતના 300 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમને ત્યાં ખાવા-પીવાની તકલીફ પડી રહી છે. ત્યારે વડોદરાની વિદ્યાર્થિની શ્રેયા જયમાન પણ ચીનમાં ફસાઈ છે.
શ્રેયાના પિતાએ રાજ્ય સરકાર પાસે મદદ માગી છે. તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ટ્વીટ કરીને ચીનમાં ગુજરાતી વિદ્યાર્થીઓની હાલાકીની રજૂઆત કરી મદદ માગી છે. તેમની પુત્રી સહિત કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓ હુબેઈ યુનિવર્સીટીમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે.
વુહાનની હુબેઇ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે
શ્રેયા જયમાન બે વર્ષથી વુહાનની હુબેઇ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. તેમના પિતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, તેમને વિદ્યાર્થીઓને હોસ્ટેલમાથી બહાર નિકળવા દેવામાં આવતા નથી. હોસ્ટેલામાં જમવાની અને પાણીની પણ તકલીફ પડે છે. તેમણે આ અંગે પીએમઓ, વિદેશમંત્રી, ગૃહમંત્રી, સીએમ અને સાંસદને ટ્વિટ કરીને મદદ માંગી છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું છે કે હોસ્ટેલની આસપાસમાં 300 જેટલા ભારતિય વિદ્યાર્થીઓ અને 100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયેલા છે. જેને સરકાર તાત્કાલિક ભારત લાવવા માટે મદદ કરે.


