Get The App

સુરત બાદ વડોદરામાં સેવન્થ ડે જેવી ઘટના, ધો.10ના વિદ્યાર્થીને કડુ મારી લોહીલુહાણ કર્યો

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
સુરત બાદ વડોદરામાં સેવન્થ ડે જેવી ઘટના, ધો.10ના વિદ્યાર્થીને કડુ મારી લોહીલુહાણ કર્યો 1 - image


Vadodara News: રાજ્યમાં વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણની ઘટનાઓ સતત વધી રહી છે, અમદાવાદ, સુરત બાદ હવે વડોદરાના આજવા રોડ પર આવેલી રઘુકુળ વિદ્યાલયમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સામાન્ય બોલાચાલીમાં હાથમાં પહેરેલું કડુ મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી, જેના કારણે વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો હતો.

આ ઘટના બાદ શાળા પ્રશાસનની ભૂમિકા પર ગંભીર સવાલો ઉભા થયા છે. શાળાએ હુમલાખોર વિદ્યાર્થી વિરુદ્ધ કડક પગલાં લેવાને બદલે માત્ર માફી પત્ર લખાવીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. શાળાના આ વલણ સામે પીડિત વિદ્યાર્થીના પરિવારજનો અને અન્ય વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શાળાની બહાર ઘટના બની હોવાનો સંચાલકોનો દાવો

મળતી માહિતી મુજબ, બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ સામાન્ય બાબતે તકરાર થઈ હતી, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દરમિયાન એક વિદ્યાર્થીએ આવેશમાં આવીને પોતાના હાથમાં પહેરેલું કડું બીજા વિદ્યાર્થીને મારી દીધું હતું, જેના કારણે તેને માથાના ભાગે ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું.

આ પણ વાંચો: સુરતમાં અમદાવાદ જેવી ઘટના: સ્કૂલ બહાર ધોરણ 12ના વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો, વાલીઓમાં રોષ

આ ઘટના અંગે શાળા સંચાલકોનો દાવો છે કે આ બનાવ શાળાના પરિસરની બહાર બન્યો હતો અને તેની સાથે શાળાને કોઈ લેવાદેવા નથી. જોકે, વાલીઓ આ દલીલને ફગાવી રહ્યા છે અને શાળા પોતાની જવાબદારીમાંથી છટકી રહી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓ વચ્ચેનો ઝઘડો શાળામાં જ શરૂ થયો હતો અને તેની જાણ હોવા છતાં શાળાએ સમયસર કોઈ પગલાં લીધા નહોતા.

માફી પત્ર લખાવી સંતોષ માનતા વાલીઓમાં રોષ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના શાળા સંચાલકોએ હુમલાખોર વિદ્યાર્થી પાસે માત્ર માફી પત્ર લખાવીને તેને જવા દીધો હતો. શાળાના આ નિર્ણયથી પીડિત વિદ્યાર્થીના વાલીઓ અને અન્ય વાલીઓ નારાજ છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નાર્થ ઉભો કરે છે. જો શાળા આવા હિંસક વર્તનને ગંભીરતાથી નહીં લે અને માત્ર કાગળ પર કાર્યવાહી કરીને સંતોષ માનશે, તો ભવિષ્યમાં આનાથી પણ ગંભીર ઘટના બની શકે છે. વાલીઓએ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

સુરતમાં વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો

સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર સ્કૂલના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં શાળા છૂટ્યા બાદ સ્કૂલથી માત્ર 100 મીટરના અંતરે ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12ના વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પીડિત વિદ્યાર્થીને માથા  ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

હુમલા બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યારબાદ, પુત્રનો સિટી સ્કેન રિપોર્ટ અને જે સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો તે લઈને તેઓ સીધા શાળાએ પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

Tags :