Get The App

સુરતમાં અમદાવાદ જેવી ઘટના: સ્કૂલ બહાર ધોરણ 12ના વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો, વાલીઓમાં રોષ

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં અમદાવાદ જેવી ઘટના: સ્કૂલ બહાર ધોરણ 12ના વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો, વાલીઓમાં રોષ 1 - image


Attack on Student: સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી  શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર સ્કૂલની બહાર ધોરણ 12ના એક વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થી દ્વારા સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાએ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી હિંસક ઘટનાની યાદ અપાવી છે, જેને પગલે શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

શાળાથી 100 મીટર દૂર બની ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર, શેઠ ધનજીશા રૂસ્તમજી ઉમરીગર સ્કૂલના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં શાળા છૂટ્યા બાદ સ્કૂલથી માત્ર 100 મીટરના અંતરે ધોરણ 11ના વિદ્યાર્થીએ ધોરણ 12ના વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પીડિત વિદ્યાર્થીને માથા  ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી સળિયો લઈ સ્કૂલે પહોંચ્યા

હુમલા બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યારબાદ, પુત્રનો સિટી સ્કેન રિપોર્ટ અને જે સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો તે લઈને તેઓ સીધા શાળાએ પહોંચ્યા હતા. અહીં તેમણે શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

વાલીઓમાં રોષ અને સુરક્ષા પર સવાલ

આ ઘટનાને પગલે અન્ય વાલીઓ પણ મોટી સંખ્યામાં શાળાએ એકઠા થઈ ગયા હતા અને શાળા પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે શાળાની નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ વચ્ચે આવા હિંસક ઝઘડાઓ થઈ રહ્યા છે. રોષે ભરાયેલા વાલીઓએ હુમલો કરનાર વિદ્યાર્થીને તાત્કાલિક શાળામાંથી સસ્પેન્ડ કરવાની અથવા તેની સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી હતી.

આ ઘટનાએ ફરી એકવાર શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. હાલ આ મામલે શાળા પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે.

Tags :