Get The App

વડોદરા રેલવે પાર્સલ ઓફિસ : અધિકારીની હેરાનગતિ સામે 20 કર્મચારીઓ હડતાળ પર

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા રેલવે પાર્સલ ઓફિસ : અધિકારીની હેરાનગતિ સામે 20 કર્મચારીઓ હડતાળ પર 1 - image

Vadodara : વડોદરા પાર્સલ લીઝ હોલ્ડર્સ અને બુકિંગ એજન્ટ એસોસિએશન દ્વારા રેલવે પાર્સલ અધિકારીઓની સતત હેરાનગતિ અને ગેરવર્તણૂકના વિરોધમાં આજે પાર્સલ ઓફિસની બહાર 20 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. એસોસિએશન દ્વારા પાર્સલ બુકિંગ તથા ડિલિવરીનો સંપૂર્ણ બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો છે.

 એસોસિએશનના પ્રમુખ ગોપાલ શાહ અને રૂપેશ હરગડેની આગેવાની હેઠળ હડતાળમાં ચીફ પાર્સલ સુપરવાઇઝર નવલ કિશોર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. કામદારોનું કહેવું છે કે અધિકારી ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે, લીઝ હોલ્ડર અને બુકિંગ એજન્ટોને પાર્સલ ઓફિસમાં પ્રવેશ આપવામાં આવતો નથી અને સામાન મૂકવા દેવામાં આવતો નથી.

 એસોસિએશનના પ્રમુખ ગોપાલ શાહે જણાવ્યું કે, પાર્સલ ઓફિસમાંથી ઇરાદાપૂર્વક પંખા કઢાવી નાખવામાં આવ્યા છે, જેથી કોઈ ત્યાં ઊભા ન રહી શકે. ઉપરાંત પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાથી રોડ પર વ્હીકલ પાર્ક કરવા પડે છે, જેના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે.

એમણે વધુમાં કહ્યું કે, અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે કર્મચારીઓ માટે બેસવા ટેબલ, પંખા અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ વડોદરામાં આ પ્રકારની કોઈ પણ સુવિધા આપવામાં આવતી નથી. રેલવેને આવક અપાવતા લીઝ હોલ્ડર અને બુકિંગ એજન્ટો સાથે આ પ્રકારની ગેરવર્તણૂક અસ્વીકાર્ય છે.

 આ મામલે આજે ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) અને ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (DCM)ને લેખિત રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશનનું સ્પષ્ટ વલણ છે કે, જ્યાં સુધી હેરાનગતિ બંધ નહીં થાય ત્યાં સુધી હડતાળ અને બહિષ્કાર ચાલુ રહેશે.