હવે બાળકીઓ શાળામાં પણ સુરક્ષિત નથી? વડોદરામાં 4 વર્ષની બાળકી સાથે પટાવાળાએ કર્યા શારીરિક અડપલાં
Vadodara Crime: ગુજરાતમાં શાળામાં અભ્યાસ કરતી બાળકીઓની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થાય તેવો બનાવ સામે આવ્યો છે. વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં શાળામાં પટાવાળા દ્વારા 4 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતાં. જોકે, બાદમાં બાળકીને ગુપ્તાંગમાં પીડા થતાં તેણે પોતાની માતાને સમગ્ર ઘટના વિશે જાણ કરતાં માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આરોપીને ઝડપી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
વડોદરાના ખોડિયાર નગરની એક શાળામાં 4 વર્ષની બાળકી સાથે પટાવાળાએ શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. સોમવારે (5 મે) ધર્મેશ પરમાર નામના પટાવાળાએ શાળામાં અભ્યાસ કરતી 4 વર્ષની બાળકીને ખોળામાં લઈ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતાં. જોકે, સાંજે તેની માતા તેને લેવા આવી ત્યારે બાળકીએ માતાને જણાવ્યું કે, મને ગુપ્તાંગમાં દુઃખે છે. બાદમાં બાળકીએ નરાધમ પટાવાળા દરમિયાન શાળામાં તેની સાથે આચરેલા કૃત્ય વિશે જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ભાવનગરમાં ધોધમાર 3 ઈંચ, માવઠાંથી તારાજી જેવી સ્થિતિ, આજે પણ રેડ એલર્ટ
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર ઘટના જાણ્યા બાદ બાળકીની માતા તુરંત શાળાએ પહોંચી અને પ્રિન્સિપાલ સાથે આ અંગે વાત કરી. પ્રિન્સિપાલે બાળકીની માતાની મદદ કરી અને શાળાના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. બાદમાં બાળકીના પિતા અને બહેન પણ શાળાએ પહોંચ્યા અને પોલીસનો સંપર્ક કર્યો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ધોરણે શાળાએ પહોંચી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ, પોલીસે આરોપીને પકડી આરોપીની પૂછપરછ શરૂ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. વિકૃત માનસિકતા ધરાવતા આ પટાવાળાએ શાળાની અન્ય વિદ્યાર્થિનીઓ સાથે પણ આવું વર્તન કર્યું છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ આભમાંથી આફત વરસી: મહુવામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, 6 કલાકમાં 7 ઈંચ કમોસમી વરસાદ
શાળામાં જ બાળકીઓ અસુરક્ષિત?
એવામાં પ્રશ્ન થઈ રહ્યો છે કે, મહિલાઓ અને બાળકીઓ માટે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં શું બાળકીઓ હવે શાળામાં પણ સુરક્ષિત નથી? ગુજરાતમાંથી અવાર-નવાર એવા કિસ્સા સામે આવે છે, જેમાં શાળામાં જ બાળકીઓ સાથે શારીરિક અડપલાં કે દુષ્કર્મ આચરવામાં આવે છે. એવામાં ગુજરાત સરકારે શાળામાં બાળકીઓની સુરક્ષાને લઈને હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. તેથી, અનેક વાલીઓમાં હવે વિદ્યાર્થિનીઓને શાળાએ મોકલતા પણ ફફડાટ થઈ રહ્યો છે.