Gujarat

વડોદરા: ગાયના શિંગડામાં સીડી ભરાઈને ગાયે દોટ મુકતા રાહદારીઓ અડફેટે ચઢ્યા

By GS Team
17 Jan 20222 mins read
This article was originally published on 17 Jan 2022
વડોદરા: ગાયના શિંગડામાં સીડી ભરાઈને ગાયે દોટ મુકતા રાહદારીઓ અડફેટે ચઢ્યા

વડોદરા, તા. 17

વડોદરા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસનો કાયમી નિવેડો આવી રહ્યો નથી. આ વચ્ચે આજરોજ સવારના સમયે ગાય પકડવા નીકળેલી ઢોર ડબ્બાની ટીમને જોઈ ગાય ભાગતા તેનું શીંગડુ કલર કરવાની સીડીમાં ભરાઈ જતાં ગાય એ નિશરણીને લઈને ઉભી પૂંછડીએ ભાગી હતી. જેમાં રસ્તે ચાલી રહેલા રાહદારીઓ અને વાહનોને અડફેટે લેતા ભારે તાયફો થયો હતો.

શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રખડતી ગાયોને પકડવા કોર્પોરેશન અસરકારક કામગીરી કરી રહી છે. આ વચ્ચે આજરોજ ઢોર પાર્ટીની એક ટીમ વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે રસ્તે રખડતી ગાયને પકડવા પહોંચી હતી. ત્યારે ઢોર પાર્ટીને જોઈ અહીં જાહેરમાં રખડતી કેટલીક ગાયોમાં ભાગદોડ થઈ ગઈ હતી. તે પૈકીની એક ગાયે રામવાટિકા તરફના માર્ગ ઉપર દોટ મૂકી હતી. ત્યારે હાથલારીમાં એક ભાઈ કલર કરવાની સીડી લઈને પસાર થઇ રહ્યા હતા અને ગાયના શિંગડામાં તે સીડી ભરાઈ ગઈ હતી. આ સાથે ગાય સિડીને પોતાની સાથે લઈને મુખ્ય માર્ગ પર દોડી હતી. ગાયે દોટ મુકતાની સાથે જ સીડીના કારણે કેટલાક રાહદારીઓ અને વાહનો હડફેટે આવી ગયા હતા. જેને પગલે મુખ્ય માર્ગ પર ભારે ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા. ભારે જહેમતે ઢોર ડબ્બાની ટીમે રખડતી ગાયનાં શિંગડાંમાંથી કલરની સિડી કાઢતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કેટલાક લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આવા બનાવોથી ગંભીર પ્રકારના અકસ્માતો નોતરી શકાતા હોવાની જાણકારી હોવા છતાં હજુ પણ ગૌપાલકો દ્વારા બેજવાબદારી રીતે પોતાના ઢોર જાહેરમાં છુટા મુકી દેવામાં આવે છે.