Gujarat

વડોદરા: ત્રણ દિવસ ના મીની વેકેશન બાદ કોરોનાના ડરથી આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓનો ધસારો

By GS Team
17 Jan 20222 mins read
This article was originally published on 17 Jan 2022
વડોદરા: ત્રણ દિવસ ના મીની વેકેશન બાદ કોરોનાના ડરથી આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓનો ધસારો

વડોદરા, તા. 17

ઉતરાયણ પર્વના ત્રણ દિવસના મીની વેકેશન બાદ આજથી સરકારી આરોગ્ય કેન્દ્ર શરૂ થતા કોરોના ટેસ્ટિંગ માટે દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. તો બીજી તરફ ખાનગી લેબોરેટરીમાં પણ રિપોર્ટ માટે વેઇટિંગ હોવાનું જાણવા મળ્યું છે. હાલ ઘેર ઘેર શરદી ,ખાંસી, તાવ જેવી બીમારીઓના દર્દી વધતા વડોદરા વાયરલ બીમારીના ભરડામાં સપડાયું છે.


વડોદરાના કપુરાઈના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે કોરોના ટેસ્ટિંગ માટે દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. શંકાસ્પદ લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્ર દ્વારા દવાની કીટ પૂરી પાડવામાં આવી રહી છે . જ્યારે પોઝિટિવ આવે તો કોવિડ નિયમોનુસાર સારવાર આપવામાં આવી રહી છે. તો બીજીતરફ મોટાભાગની ખાનગી લેબોરેટરીમાં હાલ કામનું ભારણ ડબલ થઈ ગયું છે. શહેરમાં કોરોનાના વધતા કેસની સાથે સાથે લેબ કર્મચારીઓનું કામ પણ વધી ગયું છે. પરિણામે આરટીપીસીઆરનો રિપોર્ટ તૈયાર કરવામાં પણ સમય લાગે છે. ઘણીવાર તો રિપોર્ટ આવવામાં 12 કલાક જેટલો સમય લાગી જાય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી, તમામ ઉંમરના લોકોના કેસ સામે આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ,રવિવારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં વધુ 1242 દર્દી કોરોના પોઝિટિવ સામે આવી છે. આમ વડોદરામાં હવે એક્ટિવ કોરોના ગ્રસ્ત દર્દીની સંખ્યા 6402 પર પહોંચી છે. હાલમાં 196 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે શંકાસ્પદ કોરોના ના લક્ષણો ધરાવતા 4972 દર્દી હોમકવોરન્ટાઈન  છે