Vadodara News: વડોદરા શહેરમાં ફરી એક વખત દારૂના ધંધામાં પોલીસ અને બુટલેગર વચ્ચે સાંઠગાંઠ હોવાના આક્ષેપો સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વીડિયોમાં મોપેડમાં દારૂ હોવાના આક્ષેપ થવા છતાં પોલીસે સ્થળ પર ડેકી ચેક ન કરી અને મોપેડ ચાલકને જવા દેતા ખાખીની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
પ્રથમ વીડિયોમાં શું છે?
વાયરલ થયેલા વીડિયોમાં દેખાતા દ્રશ્યો મુજબ, એક બુટલેગરે મોપેડ સાથે પસાર થતા યુવકને અટકાવી કંટ્રોલ રૂમમાં વર્ધી લખાવતાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. વર્ધી લખાવનાર યુવકે મોપેડની ડેકીમાં દારૂ હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, પોલીસ કર્મીઓએ ડેકી ખોલી તપાસ કરવાનું ટાળ્યું હતું અને અંતે મોપેડ ચાલકનાસી છૂટ્યો હતો. અને સ્થળ પર હાજર પોલીસ દેખતી રહી હતી. આ દ્રશ્ય જોઈ યુવક પોલીસ અને બુટલેગર વચ્ચે સાંઠગાંઠ હોવાના ગંભીર આક્ષેપો કરતો નજરે પડ્યો હતો.
બીજા વીડિયોમાં શું વાતચીત?
આ પછી વાયરલ થયેલા બીજા વીડિયોમાં પોલીસ કર્મીઓ યુવકને કહેતા સંભળાય છે કે, અમે તેને લઈ આવીશું. જેના જવાબમાં યુવક કહે છે કે, જો તેને ધંધો કરવા દો છો તો મને પણ દો, નહીં તો સદંતર પાબંધી લગાવો.
પોલીસની સાંઠગાંઠ પર સવાલ
બીજી તરફ એવી ચર્ચા પણ સામે આવી છે કે, અગાઉ લક્ષ્મીપુરા પોલીસની ટીમે બુટલેગર મુન્નાના સ્થળે દરોડો પાડ્યો હતો, પરંતુ પોલીસને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. આથી નારાજ થયેલા મુન્નાએ સમતા પોલીસ ચોકીની હદમાં મોપેડ સાથે રોહિતને ઝડપી લઈ પોલીસને બોલાવી ડેકીમાં દારૂ હોવાના આક્ષેપ સાથે તપાસ કરવાનું જણાવ્યું હતું. છતાં પોલીસે ત્યાં પણ મોપેડની ડેકીની તપાસ કર્યા વગર ચાલકને છોડી દેતા, મુન્નાએ પોલીસ સામે દારૂના ધંધામાં વહાલા–દવલાની નીતિ અપનાવવાના આક્ષેપો કર્યા છે. ઘટના બાદ સમગ્ર મામલાએ નવો વળાંક લીધો હતો.
છેલ્લે આબરૂ બચાવવા નવું ધતિંગ
પોલીસએ પોતાની આબરૂ બચાવવાના પ્રયાસરૂપે ગણતરીના કલાકોમાં મોપેડ ચાલકને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે મળતી વિગતો મુજબ, લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અલ્પેશ ઘનશ્યામભાઈએ ફરિયાદ નોંધાવી છે કે, પેટ્રોલિંગ દરમિયાન પ્રિયા સલૂન પાસે એક વ્યક્તિ મોપેડ સાથે ઊભો દેખાયો હતો. પોલીસને જોઈ તે નાસી છૂટતા શંકા જતા તેનો પીછો કરવામાં આવ્યો હતો.
અંતે મોપેડ સવાર યુવકની ધરપકડ
પોલીસે સાંજે 6.50 વાગ્યે સપનાના વાવેતર હોલ પાસેથી મોપેડ ચાલકને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની ઓળખ રોહિત રાજુભાઈ કથેરીયા (રહે. ઋષિ નગર, ગોરવા પોલીસ સ્ટેશન સામે) તરીકે થઈ હતી. મોપેડની ડેકીની તપાસ કરતા દારૂના ચાર ક્વોટર મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને મોપેડ સહિત કુલ રૂ. 20,500નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવી ઘટનાઓ સામે આવતાં ખાખીની ભૂમિકા અને કામગીરી પર ફરી એક વખત ગંભીર સવાલો ઊભા થયા છે.


