Padma Awards 2026: પ્રજાસત્તાક દિવસ પૂર્વે કેન્દ્ર સરકારે આજે રવિવારે (25 જાન્યુઆરી) પદ્મ પુરસ્કારો 2026ની જાહેરાત કરી, જેમાં કુલ 113 લોકોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. 5 ગુજરાતી મીર હાજીભાઈ કાસમભાઈ, નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, અરવિંદ વૈદ્ય, રતિલાલ બોરીસાગર, ધાર્મિકલાલ ચુનીનાલ પંડયાને પણ કલા અને સામાજિક ક્ષેત્રે સેવા બદલ પદ્મ શ્રી મળશે.
5 ગુજરાતીઓને પદ્મ શ્રીનું મળશે સન્માન
1: અરવિંદ વૈદ્ય, આર્ટ
2: રતિલાલ બોરીસાગર, સાહિત્ય
3: ધાર્મિકલાલ પંડ્યા, સંગીત ક્ષેત્ર
4: હાજી રમકડું, આર્ટ
5: નીલેશ માંડલેવાલા, સામાજિક કાર્ય
અનુપમાના પ્રખ્યાત પાત્ર 'બાપુજી' એટલે કે અરવિંદ વૈદ્યને મળશે પદ્મશ્રી
મહારાષ્ટ્રના સતારા જિલ્લાના મસૂર ગામમાં જન્મ, અનુપમા સિરિયલમાં 'બાપુજી'નું પાત્ર નિભાવી ઘરે ઘરે જાણીતા થયા, તેમણે કલાક્ષેત્ર પદ્મશ્રીનું સન્માન મળશે, તેઓ નવી ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક છે. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ અમદાવાદ ખાતે કરી ગુજરાત યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા તો એચ. કે. આર્ટ્સ કૉલેજના નાટ્યવિભાગમાં છ વર્ષ વ્યાખ્યાતા તરીકે કામ કર્યું, બે વર્ષ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીમાં પ્રૉજેક્ટ ઑફિસર તરીકે તો છ વર્ષ અમદાવાદના પ્રેમાભાઈ હોલના મૅનેજર તરીકે તથા પાંચ વર્ષ ઇસરોમાં નિર્માતા તરીકે સેવાઓ આપી છે. ‘દિવા જળૂં દે સારી રાત’ મરાઠી નાટક અને ‘નિશાચર’ ગુજરાતી નાટકમાં અભિનય થકી સન 1966માં રંગભૂમિક્ષેત્રે પગરવ કર્યો. છેલ્લાં 40 વર્ષમાં તેમણે 130 કરતાં પણ વધારે ગુજરાતી નાટકો, 12 મરાઠી નાટકો, તથા એક હિંદી નાટકમાં અભિનય કર્યો છે તથા 5 મરાઠી નાટકો, 100 ઉપરાંતનાં ગુજરાતી નાટકો તથા 01 હિંદી નાટકનું દિગ્દર્શન કર્યું છે.
રતિલાલ મોહનલાલ બોરીસાગર (જ. 31 ઑગસ્ટ 1938, સાવરકુંડલા, જિ. અમરેલી):
ગુજરાતી સાહિત્યમાં આગવી સેવા આપવા બદલ રતિલાલ મોહનલાલ બોરીસાગરને પદ્મ શ્રી આપવામાં આવશે. તે ગુજરાતી હાસ્યલેખક તથા નિબંધકાર છે. 1956ના વર્ષમાં તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરી તો 1989માં ‘સાહિત્યિક સંપાદન : વિવેચનાત્મક અધ્યયન’ એ વિશે મહાનિબંધ લખીને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 1974માં તેઓ ઍકેડેમિક સેક્રેટરી તરીકે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ સાથે આવ્યા જ્યાં લગભગ એકવીસ વર્ષ સુધી સેવા આપી. તેમણે ટૂંકી વાર્તાના લેખનથી સાહિત્યમાં પગલું માંડ્યું હતું. પ્રથમ હાસ્યસંગ્રહ ‘મરક મરક’ 1977માં આવ્યો જ્યાંથી તેમણે અલગ નામના મેળવી, ‘સંભવામિ યુગે યુગે’ નવલકથા, રમણભાઈ નીલકંઠના સુપ્રસિદ્ધ ‘ભદ્રંભદ્ર’નો આજના યુગમાં પુનર્જન્મ કરાવ્યો, નવલકથા ‘એન્જૉયગ્રાફી’ દ્વારા હૃદયની બીમારીને ટાંકીને માર્મિક કટારનું લેખન કર્યું હતું. તેમને ‘મરક મરક’ માટે જ્યોતીન્દ્ર દવે પારિતોષિક અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી દ્વિતીય પારિતોષિક મળ્યાં છે.
મીર હાજીભાઈ કાસમભાઈ, હાજી રમકડું: પદ્મ શ્રી
મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. તેમને લોકો 'હાજી રમકડું'ના નામથી પણ બોલાવે છે. ભજન, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં તેઓ પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે. તેમણે ગાયો માટે 3 હજારથી વધુ પ્રોગ્રામમાં ઢોલક વગાડ્યું છે. તેમણે 1 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે.
નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, સામાજિક કાર્યકર, પદ્મ શ્રી
સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય માટે પદ્મ શ્રી એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું છે. તેઓ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે અને ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક છે. નિલેશભાઈના પિતાની વર્ષ 1997માં કિડની નિષ્ફળ થતા, વર્ષ 2004થી તેઓનું નિયમિત પણે ડાયાલીસીસ કરાવવા જવું પડતું. જેમાં અનેક તકલીફોનો સામનો કર્યા બાદ નિલેશભાઈ દ્વારા વર્ષ 2006માં સુરત થી કિડની દાનથી અંગદાન સેવાનો પ્રારંભ કર્યો હતો. આ અભિયાનનો લિવર, સ્વાદુપિંડ, હૃદય, હાડકા, ફેફસાં, નાનું આતરડું, હાથ અને ગર્ભાશયના દાન સુધી વિસ્તાર થયો હતો, અત્યાર સુધીમાં ડોનેટ લાઈફ સંસ્થાના ભગીરથ કાર્ય થકી કુલ 1300થી વધારે અંગો તેમજટીસ્યુઓનું દાન કરાવવામાં આવી ચૂક્યું છે.
ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા, (આખ્યાન, માણભટ્ટ): પદ્મ શ્રી
ધાર્મિકલાલ ચુનીનાલ પંડયાને પણ પદ્મ શ્રી એવોર્ડનું સન્માન મળશે. જન્મ, 11 ઑગસ્ટ 1932, વડોદરા, તેમણે ત્રણ હજારથી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. તેમણે દેશ અને વિદેશમાં આખ્યાન અને માણભટ્ટની કળાનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. આરંભકાળે વડોદરાની પોળોમાં આખ્યાનકથાઓ કરી. વડોદરાના રેડિયોસ્ટેશન મારફતે ગુજરાતમાં પ્રસિદ્ધ થયા. તેઓ 1951-52થી આ વ્યવસાયમાં પ્રવૃત્ત છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન સુધી તેઓ કાર્યક્રમો આપી ચૂક્યા છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપર તેઓ નિયમિત રીતે કાર્યક્રમો આપતા હતા. પ્રેમાનંદનાં લગભગ 30થી 40 આખ્યાનો તેમને કંઠસ્થ છે.
દિલ્હીની ભારતીય સંગીત નાટક અકાદમી તરફથી 1952થી આરંભાયેલી પુરસ્કારની પ્રણાલિકામાં 1987માં તેમનું સન્માન થયું. આવું માન પામનાર ગુજરાતમાં તેઓ માત્ર એક છે. પ્રેમાનંદની વિશિષ્ટ પરંપરાને જીવંત રાખવાનો તેમનો પુરુષાર્થ આજીવન રહ્યો. 1981માં શારદાપીઠના શંકરાચાર્યે ‘કીર્તનકેસરી’ અને ‘માણકલા-કૌશલ’ બિરુદોથી તેમને નવાજ્યા. માણ કલાના વિકાસ માટે તેમણે ૮ થી ૯ વર્ષનો એક અભ્યાસક્રમ તૈયાર કર્યો હતો. તેમના બંને દીકરાઓ પ્રદ્યુમન અને મયંક પણ માણભટ્ટ કલાકારો છે.
ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા અનેક એવોર્ડથી સન્માનિત
1980માં ગુજરાત રાજ્ય સંગીતનૃત્ય અકાદમી દ્વારા પ્રશસ્તિપત્ર અર્પણ
1983માં ગુજરાત રાજ્ય સંગીતનૃત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર
1984માં વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ઍવૉર્ડ,
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફથી ઍવૉર્ડ
1986માં સ્વામિનારાયણ સંપ્રદાયના તત્કાલીન આચાર્ય તેજેન્દ્રપ્રસાદ દ્વારા સન્માન
1987માં ગુજરાત લોકકલા કેન્દ્ર દ્વારા ઍવૉર્ડ
1987માં અમૃતા સંસ્થા, ચુંવાળ દ્વારા ઍવૉર્ડ
1991માં પ્રેમાનંદ સુવર્ણચંદ્રક


