Vadodara News: વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનની કાર્યશૈલી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. એક પીડિત મહિલાએ આક્ષેપ કર્યો છે કે,તેની દીકરીને અફઝલ નામનો યુવક સતત છેડતી કરતો હોવા છતાં છેલ્લા ચાર દિવસથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની કોશિશ નિષ્ફળ રહી હતી. મહિલાનું કહેવું છે કે, પોલીસ સ્ટાફે ફરિયાદ લેવાના બદલે તેને ગોળગોળ ફેરવ્યા હતા અને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી.
મહિલા પર ચપ્પુ વડે હુમલો
આજે આ મુદ્દો ગંભીર સ્વરૂપ ધારણ કરતો જોવા મળ્યો હતો, જ્યારે અફઝલ નામના યુવકે મહિલા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ સ્થાનિક લોકોએ આરોપીને ઝડપી લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ ત્યાં ગોત્રી પોલીસના સ્ટાફ સામેથી આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે.
અત્યાચાર છતાં ફરિયાદ કેમ નથી લેતી પોલીસ?
પીડિત મહિલાનો આક્ષેપ છે કે, ચાર દિવસ સુધી પોલીસે કોઈ કાર્યવાહી ન કરી અને આજે અમે ખુદ આરોપીને પકડી લાવ્યા છતાં પણ ગોત્રી પોલીસે કોઈ પગલું ભર્યું નથી. મહિલાના શરીર પર હુમલાના નિશાનો સ્પષ્ટ દેખાતા હોવા છતાં પણ પોલીસ દ્વારા આરોપી સામે કાર્યવાહી ન થવાથી ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ વડોદરા શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે ચિંતિત હોવાના દાવા કરે છે, ત્યારે બીજી તરફ ગોત્રી પોલીસ સ્ટેશનમાં મહિલાઓ સાથે થતા અત્યાચારની ફરિયાદ લેવાની તૈયારી ન હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ટોળાએ એક શખ્સને ઝડપી પાડ્યો હોવાનું જોવા મળે છે. વાયરલ વીડિયોમાં આરોપી શખ્સે રિક્ષાનો કાચ તોડી નાખ્યો હોવાનો અને તેના હાથમાં ચાકુ હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. વીડિયોમાં વધુમાં દેખાય છે કે, મહિલાએ યુવકને લાફા ફટકારતા યુવક સૈયદ નામના વ્યક્તિને બોલાવવાની ધમકી આપે છે. પીડિત મહિલાના કહેવા મુજબ, આરોપી યુવક યુવતીનો ઘર સુધી પીછો કરી પરેશાન કરતો હતો.


