Gandhinagar News: રાજ્યના શહેરી વિસ્તારોના વિકાસને વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે મુખ્યમંત્રી દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે નગરપાલિકાઓએ શહેરના પાયાના સુવિધાના કામો માટે સરકારી જમીન મેળવવા માટે જંત્રીના 25 થી 50 ટકા રકમ ચૂકવવી પડશે નહીં. રાજ્ય સરકાર હવે 11 પ્રકારની વિવિધ જાહેર સુવિધાઓ માટે નગરપાલિકાઓને વિનામૂલ્યે જમીન ફાળવશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
અત્યાર સુધી નગરપાલિકાઓએ જ્યારે કોઈ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે સરકારી જમીનની માંગણી કરતી, ત્યારે તેમણે જંત્રીના નક્કી કરેલા દરો મુજબ મોટી રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી. આ આર્થિક બોજને કારણે ઘણીવાર પ્રોજેક્ટ્સમાં વિલંબ થતો હતો. હવે આ નિર્ણયથી વિકાસના કામોમાં ઝડપ આવશે. નગરપાલિકાઓ પરનું આર્થિક ભારણ ઘટશે. અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહેશે.
કઈ 11 સુવિધાઓ માટે ફ્રી જમીન મળશે?
સરકારે જાહેર કરેલી યાદી મુજબ નીચે મુજબની કામગીરી માટે હવે જમીન સરળતાથી ઉપલબ્ધ થશે:
-નગરસેવા સદન (વહીવટી ઓફિસ)
-ફાયર સ્ટેશન
-સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)
-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP)
-ભૂગર્ભ ગટર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન
-વોટર સપ્લાય પ્રોજેક્ટ
-સ્ટ્રોમ વોટર ડ્રેનેજ (વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા)
-ટાઉનહોલ
-કોમ્યુનિટી હોલ
-કન્વેન્શન સેન્ટર
-અન્ય પાયાની માળખાગત સુવિધાઓ
નાગરિકોની સુખાકારી માટે લેવાયેલ આ નિર્ણયથી શહેરી વહીવટ વધુ લોકાભિમુખ બનશે અને અટકેલા વિકાસના કામોને નવી ગતિ મળશે.


