Operation Mule Hunt: વડોદરા જિલ્લામાં મ્યુલ બેન્ક એકાઉન્ટના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સાયબર ફ્રોડના નાણાની હેરાફેરી માટે મ્યુલ બેન્ક એકાઉન્ટ ખોલાવી તેની કીટ કમિશન લઇને આગળ આપી દેનાર આરોપીને જે.પી.રોડ પોલીસે ઝડપી પાડયો છે. આરોપી પાસેથી 23 બેન્ક એકાઉન્ટની પાસબુક તથા 26 ડેબિટ કાર્ડ સહિતની સામગ્રી પોલીસે કબજે લીધી છે.
ઓછા ભણેલા લોકો ટાર્ગેટ
જે.પી. રોડ પોલીસે મળેલી માહિતીના આધારે તાંદલજા કિસ્મત ચોકડી પાસે લેન્ડ માર્ક ગેલેક્સીમાં રહેતા એજાજ ફીરોજમીંયા અરબ ( મૂળ રહે. રીફાઇ એપાર્ટમેન્ટ, મેમણ કોલોની, આજવારોડ)ને મ્યુલ બેન્ક એકાઉન્ટની સામગ્રી સાથે ઝડપી પાડયો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે, વડોદરાના આજુબાજુના ગામડાઓમાં ઓછા ભણેલા લોકો પાસેથી સીમકાર્ડ સહિતની બેન્કની કીટ લઇ લીધી હતી.
કમિશન લઈ એકાઉન્ટની કીટ પધરાવી દેતો
તે લોકોને એવું જણાવતો હતો કે, હું અદીશ બેગ નામની કંપનીનો પ્રોપરાઇટર છું. ટ્રેડિંગના રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જ્યારે અન્ય કીટ નાહીદ બંજારા (રહે. કિસ્મત ચોકડી), અજહર લાકડાવાલા તથા ફરહાન પટેલ (બંને રહે. ભરૃચ) પાસેથી લીધી હતી. આ પાસબુક તે અનીસ ઉસ્માનભાઇ કાની (રહે. મદીના પાર્ક, બાયપાસ રોડ) ને આપવા માટે પોતાની પાસે રાખી હતી. અનીસ કાની તે કીટ પેટે 20 હજાર રૂપિયા તેને આપતો હતો. એજાજ પોતાનું કમિશન પાંચ હજાર લઇ બાકીના રૂપિયા એકાઉન્ટ ધારક અને તેને એકાઉન્ટની કીટ આપનારને આપી દેતો હતો. અનીસ કાનીએ કેટલીક પાસબુક થોડા સમય પછી પરત કરી દેતો હતો.સમગ્ર મામલે કુલ પાંચ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મ્યુલ બેન્ક એકાઉન્ટનો ખજાનો
-બેન્કની પાસબુક 23
-બેન્કની ચેકબુક 10
-ડેબિટ કાર્ડ 26
-સીમકાર્ડ 5
-ડાયરી 4
-ફર્મનો સિક્કો 1
-સ્કેનર 4
-મોબાઇલ ફોન 1
-બેગ 1
આ પણ વાંચો: અમદાવાદના ગોતામાં AMTS બસે સ્કૂલ વાન સહિત 3 વાહનોને અડફેટે લીધા, બે લોકો ઇજાગ્રસ્ત
મ્યુલ બેન્ક એકાઉન્ટ એટલે શું?
પોલીસ અને અન્ય તપાસ સંસ્થાઓની નજરમાંથી બચવા માટે ઠગ ટોળકીઓ સામાન્ય લોકોને સકંજામાં લે છે અને નાણાંની હેરફેર કરવા માટે તેમના બેંક ખાતાનો ઉપયોગ કરે છે. ભારતમાં ઓનલાઇન મની ફ્રોડનું પ્રમાણ સખત વધી રહ્યું છે અને મોટા ભાગે આવા દરેક ફ્રોડમાં મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થતો હોય છે. આવા એકાઉન્ટનો ઉપયોગ ખાતા ધારકની જાણ સાથે અથવા જાણ વિના, બંને રીતે થઈ શકે છે. આવા ફ્રોડમાં રૂપિયાની લેવડદેવડ માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ થતો હોવાથી ઠગ ટોળકીઓનું પગેરું દબાવવું મુશ્કેલ બનતું હોય છે.


