Ahmedabad Accident: અમદાવાદના ગોતા વિસ્તારમાં આજે (23મી જાન્યુઆરી) પૂરપાટ ઝડપે આવી રહેલી AMTS બસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસે રસ્તા પર સ્કૂલ વાન સહિત ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનસીબે સ્કૂલ વાનમાં બાળકો ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી વિગતો અનુસાર, અમાદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં ચાંદની હોમ ડેકોરેટર નજીકના ત્રણ રસ્તા નજીક આ ઘટના બની હતી. એક કાર પસાર થતી હોવાથી સ્કૂલ વાનચાલક રોડ પર ઊભો હતો. આ દરમિયાન સામેથી એક ટેમ્પો અને રિક્ષા પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે આવેલી AMTS બસે સૌથી પહેલા સ્કૂલ વાનને જોરદાર ટક્કર મારી હતી, જેને પગલે વાન ટેમ્પો અને રિક્ષા સાથે ટકરાઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદના વટવામાં કરુણ ઘટના: વિવાહિત પ્રેમીના ત્રાસથી કંટાળી યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત
સદનસીબે બાળકોનો બચાવ
આ અકસ્માતમાં સૌથી મોટી રાહત એ રહી કે જે સમયે બસે સ્કૂલ વાનને ટક્કર મારી, તે સમયે વાનમાં એક પણ બાળક સવાર નહોતું. જો કે, અકસ્માતમાં સ્કૂલ વાનચાલક અને રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સ્થાનિકોની મદદથી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. બસ ચાલકની બેદરકારી હતી કે બસમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
AMTS બસચાલક સામે કાર્યવાહી
આ ઘટનાને લઈને AMTSના ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ મેનેજર આર.એન. પાંડેએ જણાવ્યું હતું કે, 'ચાર્ટર્ડ સ્પીડ બસ ઓપરેટરની બસ હોવાનું સામે આવ્યું છે. હાલ બસચાલકને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો છે અને બસ ઓપરેટરને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો છે.'


