Get The App

વડોદરામાં બાળકીને માર મારવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો, પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં બાળકીને માર મારવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો, પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા 1 - image


Vadodara Crime News: વડોદરાના તાંદલજા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની. છ મહિનાની બાળકીને માર મારવા બાબતે થયેલા ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે પતિની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના તાંદલજાના મહાબલીપુરમ વિસ્તારમાં કાસીમ શબ્બીરભાઈ શેખ અને તેની પત્ની મિસબા ઉર્ફે આરજુ તેમની છ મહિનાની બાળકી સાથે થોડા સમય પહેલા જ ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. રવિવારે રાત્રે મિસબા કોઈ કારણસર બાળકીને માર મારી રહી હતી, જેથી પતિ કાસીમે તેને આમ કરવાથી રોકી હતી.

આ પણ વાંચો: રાજકોટ અનૈતિક સંબંધોનો કેસ : આત્મહત્યા કરનાર પતિના ફાયરિંગમાં ઈજાગ્રસ્ત પત્નીનું પણ મોત

પત્નીના મહેણાં બાદ પતિએ ગુમાવ્યો કાબૂ 

પતિએ વારંવાર ના પાડવા છતાં પત્નીએ બાળકીને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. બંને વચ્ચે બોલાચાલી થતાં પત્નીએ પતિને કહ્યું કે, 'તમે કોઈ કામ કરતા નથી, પૈસા કમાવાની ઓકાત નથી અને મને સલાહ આપો છો.'

આ સાંભળી કાસીમ ગુસ્સે ભરાયો હતો. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે, "મેં માર મારવાની ના પાડતા તેણે માર મારવાનું ચાલુ રાખતા મને ગુસ્સો આવી ગયો હતો અને તેનું ગળું દબાવી દીધું હતું.'

પત્નીનું ગળુ દબાવી હત્યા કરી હોવાની પતિએ કરી કબૂલાત

બનાવની જાણ થતાં જેપી રોડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે અને મિસબાના પરિવારજન પાસે પહોંચ્યો હતો. પોલીસે કાસીમને પણ પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતાં તેણે પત્નીનું ગળું દબાવી દીધું હોવાની કબૂલાત કરી હતી. પોલીસ જ્યારે મહાબલીપુરમના મકાનમાં પહોંચી ત્યારે મિસબા ભોંય તળિયે મૃત હાલતમાં પડેલી હતી. પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી પતિ કાસીમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :