વડોદરા હિટ એન્ડ રનઃ નશામાં ધૂત નબીરાએ ફૂટપાથ સૂતેલા શ્રમિક પરિવારને કચડ્યા, 4 વર્ષના બાળકનું મોત

Vadodara Hit and Run: વડોદરામાં મંગળવારે (21 ઓક્ટોબર) એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં નશામાં ધૂત એક કારચાલકે બેફામ ગતિએ કાર હંકારીને ફૂટપાથ પર સૂતેલા એક શ્રમજીવી પરિવારને કચડી નાખ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 4 વર્ષના એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું અને અન્ય 4 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, શહેરના અવધૂત ફાટક નજીક વિશ્વામિત્રી રોડ પર મોડી રાત્રે બની હતી. નશામાં ધૂત કારચાલક નીતિન ઝાએ પોતાનો કાબૂ ગુમાવી કાર ફૂટપાથ પર ચડાવી દીધી હતી. તેણે ફૂટપાથ પર સૂતા શ્રમિક પરિવારને કચડી નાંખ્યા હતા. આ અકસ્માતમાં 4 વર્ષના માસૂમ બાળક ઉપર કારના પૈડાં ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક બાળકનું નામ નીતિન હોવાનું સામે આવ્યું છે. આ સિવાય સોનિયાબહેન અને આશાબહેન સહિતના અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કારમાંથી વિદેશી દારૂની બોટલ મળી
અકસ્માત સર્જીને કારચાલક નીતિન ઝા કાર લઈને ભાગી છૂટ્યો હતો. જોકે, ત્યાં હાજર લોકોએ તેનો પીછો કરીને તેને અક્ષર ચોક પાસે ઝડપી પાડ્યો હતો અને તેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જે પોલીસે કબ્જે કરી છે.
પોલીસ કાર્યવાહી શરૂ
આ અંગે પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી નીતિન સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી નશામાં હતો તે વાત સાચી છે. હાલ, આરોપીના બ્લડ સેમ્પલ લેબમાં મોકલ્યા છે અને તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.