Gujarat

વડોદરા: રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસેલા ઠગ વૃદ્ધાની સોનાની ચેન ચોરી ફરાર

By GS Team
18 Dec 20211 min read
This article was originally published on 18 Dec 2021
વડોદરા: રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેસેલા ઠગ વૃદ્ધાની સોનાની ચેન ચોરી ફરાર

વડોદરા, તા. 18 ડિસેમ્બર

ધાર્મિક કાર્યક્રમમાં સેવા આપવા રિક્ષામાં જતી વિધવા વૃદ્ધાના ગળામાંથી મુસાફરના સ્વાંગમાં અગાઉથી બેસેલા ઠગ સોનાની ચેનની ચોરી કરી રીક્ષા ચાલક સાથે ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે, વૃદ્ધા સાથેની મહિલાને આગળ બેસાડી પાછળની બાજુ ધક્કામુક્કી થાય તે રીતે મુસાફરો બેસાડી ગઠિયાઓએ ખેલ પાડયો હતો.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા 64 વર્ષીય વિધવા જ્યોત્સનાબેન ગાયત્રી પરિવાર માં સેવા આપે છે 12મી ડિસેમ્બરના રોજ તેઓ સમા અભિલાષા ખાતે ધાર્મિક કાર્યક્રમમાં જવા માટે સંસ્થાના સભ્ય રીટાબેન સાથે નીકળ્યા હતા. અને અમિત નગર સર્કલ પાસેથી તેઓ ઓટો રીક્ષામાં બેસી મુસાફરી કરી રહ્યા હતા. જેમાં જ્યોત્સનાબેનને અગાઉ થી પાછળ બેસેલા યુવક યુવતી વચ્ચે બેસાડી રીટા બેનને ડ્રાઈવર સીટ ઉપર આગળ બેસાડ્યા હતા. ત્યારબાદ રસ્તામાંથી વધુ એક યુવકને રિક્ષામાં બેસાડી રીક્ષા ચાલકે સમા તળાવ મામલતદાર કચેરી નજીક બંને વૃદ્ધાને રીક્ષામાંથી ઉતારી જણાવ્યું હતું કે, હું બાકીના પેસેન્જરને સામે ઉતારી તરત પાછો આવું છું . તેમ કહી રીક્ષા સમા ગામ તરફ હંકારી હતી.  આ દરમિયાન રીટાબેનએ જ્યોત્સનાબેનને ગળામાં  પહેરેલી સોનાની ચેન ગાયબ હોવાનું જણાવ્યું હતું. અને રિક્ષાચાલક પરત આવ્યો ન હતો. જેથી તેમની સાથે મુસાફરી કરી રહેલા અજાણ્યા શખ્સોએ રૂપિયા 37 હજારની કિંમતની સોનાની ચેન તોડી ચોરી કર્યાનું બહાર આવ્યું હતું.