Gujarat

સ્માર્ટ સિટી વડોદરાનો વરવો ચહેરો: દંતેશ્વર તળાવની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ, VMCની કામગીરી માત્ર 'દેખાડો'?

By GS TEAM
21 May 20262 mins read
TukuTouch Logo
એક તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં કરોડોના ખર્ચે તળાવોના 'બ્યુટિફિકેશન'ની મોટી-મોટી વાતો કરે છે, તો બીજી તરફ વડોદરાના હાર્દ સમાન વિસ્તારોમાં આવેલા તળાવોની વાસ્તવિકતા કંઈક જુદી જ કહાની બયાન કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્માર્ટ સિટી વડોદરાનો વરવો ચહેરો: દંતેશ્વર તળાવની ગંદકીથી સ્થાનિકો ત્રાહિમામ, VMCની કામગીરી માત્ર 'દેખાડો'?

Vadodara News: એક તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં કરોડોના ખર્ચે તળાવોના 'બ્યુટિફિકેશન'ની મોટી-મોટી વાતો કરે છે, તો બીજી તરફ વડોદરાના હાર્દ સમાન વિસ્તારોમાં આવેલા તળાવોની વાસ્તવિકતા કંઈક જુદી જ કહાની બયાન કરી રહી છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં આવેલું દંતેશ્વર તળાવ અત્યારે વહીવટી તંત્રની ઘોર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બન્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી આ તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે, જેના કારણે સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બની ગયું છે.

ઘરમાં રહેવું પણ મુશ્કેલ, રોગચાળાની દહેશત

દંતેશ્વર તળાવમાં લાંબા સમયથી કચરો અને ગંદકી જમા થવાને કારણે પાણી સંપૂર્ણપણે દૂષિત થઈ ગયું છે. ઉનાળાની આ સીઝનમાં તળાવમાંથી નીકળતી તીવ્ર અને અસહ્ય દુર્ગંધ આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, દુર્ગંધના કારણે ચોવીસે કલાક ઘરોના બારી-બારણાં બંધ રાખવા પડે છે. વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અસાધારણ રીતે વધી ગયો છે. બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર સૌથી મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જો વહેલી તકે ઉકેલ નહીં આવે, તો આ વિસ્તારમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી ભીતિ છે.


આ પણ વાંચો : 6 વર્ષ સુધી પતિ કોમામાં રહ્યો અને 25 વર્ષે મળ્યો ન્યાય; ગુજરાત હાઈકોર્ટે વીમા કંપનીને લગાવી ફટકાર, પરિવારને બમણું વળતર

'બ્યુટિફિકેશનના સપના દેખાડવાનું બંધ કરો'

રોષે ભરાયેલા સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, "તંત્ર નવા બ્યુટિફિકેશનના સપના દેખાડવાનું બંધ કરે અને જે હયાત તળાવો છે તેની સંભાળ રાખે તોય ઘણું છે!" 

'ઠંડો પવન તો દૂર, શ્વાસ લેવો પણ ભારે પડે!'

સામાન્ય રીતે કુદરતી નિયમ મુજબ જો ઘરની આસપાસ કોઈ તળાવ કે જળાશય હોય, તો ઉનાળાની આકરી ગરમીમાં ત્યાંથી આવતી ઠંડી હવા સ્થાનિકોને મોટી રાહત આપતી હોય છે. પરંતુ દંતેશ્વરના કિસ્સામાં તંત્રના પાપે બધું જ ઊલટું થઈ ગયું છે. તળાવ ગંદકીથી ખદબદી રહ્યું હોવાના કારણે, અહીં શુદ્ધ કે ઠંડી હવા આવવાને બદલે અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતો પવન ચારે તરફ ફેલાઈ રહ્યો છે, જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્રની આ લાપરવાહીએ કુદરતી વાતાવરણને પણ બગાડી નાખ્યું હોવાનો આક્રોશ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

કોર્પોરેશનની કામગીરી માત્ર 'ફોટો સેશન' પૂરતી?

સ્થાનિક રહીશોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, વારંવાર રજૂઆતો કરવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર દેખાડા પૂરતી જ કામગીરી કરી રહ્યું છે. તળાવ એટલું મોટું છે કે તેની સફાઈ માટે યુદ્ધના ધોરણે કામ કરવું પડે, તેના બદલે માત્ર એક નાની ટીમ મોકલીને ધીમી ગતિએ સફાઈ નામે નાટક કરવામાં આવી રહ્યું છે. યોગ્ય જાળવણી અને નિયમિત આયોજનના અભાવે તળાવની સ્થિતિ દિનપ્રતિદિન વધુ ખરાબ થતી જાય છે.