હત્યાના ગુનામાં પાંચ વર્ષથી વધુ સમય જેલમાં રહેલા આરોપીના વચગાળાના જામીન નામંજૂર

Vadodara : અત્યારના ગુનામાં અંદાજે છેલ્લા પોણા છ વર્ષથી જેલમાં રહેલા કેદીએ બાળકોના અભ્યાસની ફી અને પત્નીના ઓપરેશન બાબતો જેવી પારિવારિક તકલીફો જણાવીને અદાલત સમક્ષ 15 દિવસના વચગાળાના માંગેલા જામીન અદાલતે નામંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે આરોપીને અગાઉ વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા ત્યારે જામીનમુક્ત થઈને ફરાર થઈ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સને 2019માં થયેલી હત્યાના ગુનામાં આરોપી સમીર અશોકભાઈ પંડ્યા છેલ્લા 5 વર્ષથી જેલમાં છે. આ આરોપીએ અગાઉ માંગેલા વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો પરંતુ નિયત સમયે હાજર નહીં થઈને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આરોપીએ ફરી એકવાર એડિશનલ સેસન્સ કોર્ટમાં 15 દિવસ માટે વચગાળાની જામીન અરજી રજૂ કરી હતી. જેમાં આરોપીએ બાળકોના અભ્યાસ પત્નીના ઓપરેશન જેવી પારિવારિક તકલીફો વિશે જણાવ્યું હતું.
પરંતુ સરકારી વકીલ એપીપી પી.સી.પટેલે કરેલી દલીલોમાં જણાવ્યું હતું કે આરોપીને વચગાળાના જામીન પર મુક્ત કરવાથી કેસને નુકસાન થઈ શકે છે. ઉપરાંત નિયત મુદતમાં જેલ ખાતે પરત નહીં આવીને ભાગી જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. આમ આરોપીના વચગાળાના જામીનના મંજૂર કરવા અદાલત સમક્ષ વિનંતી કરી હતી. પરિણામે એડિશનલ સેશન્સ જજ શકુંતલાબેન નરેશકુમાર સોલંકીની અદાલતે આરોપીના વચગાળાના જામીન નામંજૂર કર્યા હતા.

