વડોદરા: કોર્પોરેશનમાં રસ્તા બાદ પેવર બ્લોકના કામોમાં ભ્રષ્ટાચાર !

વડોદરા, તા. 12
વડોદરા કોર્પોરેશનમાં રોડ રસ્તાના કામોમાં અવારનવાર ભ્રષ્ટાચારની બુમો ઉઠે છે. તેવામાં હવે જાણે ભ્રષ્ટાચાર માટે નવો કીમિયો હાથમાં આવ્યો હોય તેમ ઠેર ઠેર સારી હાલતમાં જુના પેવર બ્લોકનો ખડકલો હોવા છતાં નવા પેવર બ્લોક પાછળ નાણાંનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો ભાંડફોડ સામાજિક કાર્યકરે કર્યા બાદ વધુ એક સ્થળે દોઢ વર્ષથી આ પ્રકારનો પેવર બ્લોકનો ખડકલો હોય કોર્પોરેશને પોતાનો બચાવ કરવા હવે તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે.
કોર્પોરેશન પેવર બ્લોક માટે પ્રજાના નાણા વાપરે છે. જ્યારે બીજી બાજુ આ રીતે નાણાંનો બગાડ થઇ રહ્યો છે, અને પેવર બ્લોકના નામે ભષ્ટાચાર ચાલી રહ્યા છે. પેવર બ્લોકના નામે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાનો કારસો છે. હરણી પોલીસ સ્ટેશનની પાસે કોર્પોરેશને વિપુલ જથ્થામાં પેવર બ્લોક રઝળતી હાલતમાં ઢગલો કરી રાખ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી ગોત્રી વિસ્તારમાં પણ પેવર બ્લોક નો ઢગલો આ પ્રમાણે પડી રહ્યો હતો. પેવર બ્લોકમાં ગેરરીતિના કિસ્સા સામે આવતા તંત્રમાં દોડધામ મચી છે. દોઢ વર્ષથી પડી રહેલા પેવર બ્લોકનો ઢાંકપિછોડો કરવા છેલ્લા બે દિવસથી સયાજી હોસ્પિટલના પાછળના ભાગે નાખવા લઈ જવામાં આવી રહ્યા છે. આમ ઘણી જગ્યાએ સારા પેવર બ્લોકનો ઢગલો હોવા છતાં નવા પેવર બ્લોકના નામે ભ્રષ્ટાચાર આચરી તંત્ર પોતાના તથા મળતિયાઓના ખિસ્સા ભરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોર્પોરેટર, ધારાસભ્ય તેમજ અન્ય ગ્રાન્ટમાંથી પેવર બ્લોક નાખવામાં આવે છે .અને પેવર બ્લોકના નામે રૃપિયા પણ વાપરવામાં આવી રહ્યા છે.

રાહદારીઓની સુવિધાના સ્થાને ટ્રાફિક માટે દુવિધા ઉભું કરતું કોર્પોરેશન
હાલ કોર્પોરેશન દ્વારા પોતાની વડી કચેરી પાસે નવા પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. જેનો ઉપયોગ ધંધાર્થી તથા પાર્કિંગ માટે જોવા મળી રહ્યો છે. તદુપરાંત અકોટા ખાતે પણ નવા પેવર બ્લોક નાખ્યા બાદ તેનો ઉપયોગ પાર્કિંગમાં ફેરવાઈ જતાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે. આ પરિસ્થિતિ ઠેરઠેર જોવા મળી રહી છે .આમ કોર્પોરેશન રાહદારીઓની સુવિધા નહિ પરંતુ ટ્રાફિક માટે દુવિધા ઊભી કરી રહ્યું હોય તેમ લાગે છે.




