વડોદરા: વિધાન સભાની ચૂંટણી પૂર્વે જુના ભાવથી 51 કરોડના રસ્તાનો વાર્ષિક ઈજારો

વડોદરા, તા. 23 ફેબ્રુઆરી
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અગાઉ રૂ. 149 કરોડના રસ્તાના કામો રજૂ થયા હતા જેમાં વિવાદ સર્જાતા રૂ.125 કરોડના રસ્તાના કામો રીટેન્ડર કરવાનો નિર્ણય કર્યો હતો ત્યાર બાદ ચાર ઝોનમાં વાર્ષિક કોન્ટ્રાક્ટ વધુ છ મહિના લંબાવી જુના ભાવ પ્રમાણે રૂ. એકાવન કરોડના રસ્તાના કામો કરવા અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાના કામો અંગે ટેન્ડર પ્રક્રિયા કરી રસ્તા પેવર બ્લોક વરસાદી ગટરનું કામ એક જ કોન્ટ્રાક્ટર કરે જેથી ભવિષ્યમાં રસ્તામાં ખરાબ થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરી શકાય જેને ધ્યાનમાં રાખી રૂપિયા 149 કરોડના રસ્તાના કામો સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ ઝોન કક્ષાના ઓછા ભાવ એ હોવાથી તે પ્રમાણે કામો કરાવવા અંગે સ્થાયી સમિતિના સભ્યો માં ચર્ચા થયા બાદ રૂ.125 કરોડના કામો રીટેન્ડર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
રૂ.125 કરોડના રસ્તાના કામો ચૂંટણી પહેલા કરવાનું આયોજન હતું પરંતુ તેમાં વિલંબ થવાને કારણે કોર્પોરેશનના વહીવટી તંત્રે ગત વર્ષના જુના ભાવ પ્રમાણેના ઝોન કક્ષાના જે કોન્ટ્રાક્ટ હતા તેને વધુ છ મહિના લંબાવી રૂપિયા એકાવન કરોડના રસ્તાના કામો કરવા અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરી છે.
વહીવટીતંત્ર તરફથી જાણવા મળતી માહિતી પ્રમાણે જુના ભાવના ઝોન કક્ષાના કોન્ટ્રાક્ટમાં પણ પેવર બ્લોક અને વરસાદી ગટરની કામગીરી પણ ઝોનના કોન્ટ્રાક્ટર દ્વારા જ કરાવવામાં આવતી હતી પરંતુ આ વખતે માત્ર રસ્તાના કામો જ જે તે કોન્ટ્રાક્ટર કરશે અને વરસાદી ગટર પેવરબ્લોક ના કામો ઓછા ભાવ થી અન્ય કોન્ટ્રાક્ટર પાસેથી કરાવી શકશે તેવી પણ છૂટછાટ આપવામાં આવી છે.
હવે જોવાનું રહે છે કે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી રસ્તાના કામોની દરખાસ્ત ને સમિતિની મંજૂરી આપે છે કે પછી અગાઉની જેમ વિવાદ ઊભો કરી કામો ઉપર પાણી ફેરવી દેશે તે શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં નક્કી થશે તેમ જાણવા મળે છે.




