વડોદરામાં AI જનરેટેડ પોસ્ટને કારણે માથાકૂટ, પોલીસ સ્ટેશનને બાનમાં લેવાયું
Vadodara News: વડોદરા શહેરના જુનીગઢી વિસ્તારમાં રહેતા એક શખસે લધુમતી સમાજની લાગણીઓ દુભાઈ તેવી AI જનરેટેડ પોસ્ટ બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કરી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ગુંજ અને ગેરસમજ ફેલાઈ, તેમજ લોકોમાં આક્રોશ વ્યાપ્યો હતો.જેના પગલે લધુમતી સમાજના મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીની ધરપકડની માંગ કરી હતી.
પથ્થરમારો થતા પોલીસે કાર્યવાહી કરી
મળતી માહિતી અનુસાર, વડોદરાના જુનીગઢી વિસ્તારમાં શુક્રવાર (19મી સપ્ટેમ્બર)ના રોજ મોડીરાતે મોટી સંખ્યામાં લધુમતી સમાજના લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ દરમિયાન બીજા સમુદાયના ટોળા પણ રસ્તા પર આવી ગયા અને બંને વાળા વચ્ચે અશાંતિ અને પથ્થરમારો થયો હતો. આ મામલાની ગંભીરતા જોતાં એડિશનલ પોલીસ કમિશનર ડો. લીના પાટીલ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ધટનાસ્થળ પર દોડી ગયો હતો અને ટોળાને વિખેરીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો.
આ ઘટના બાદ લધુમતી સમાજના અનેક લોકો મોટી સંખ્યામાં સીટી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીની ઝડપથી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી તેમજ તડીપાર સહિતની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસ ફરિયાદ બાદ ટોળાએ રસ્તો ખોલી દીધો હતો. ઘટના દરમિયાન એક પોલીસ કર્મચારીને ઈજા થઈ હોવાની માહિતી પણ મળી છે.
આ પણ વાંચો: અમદાવાદના અડાલજ નજીક લૂંટ વિથ મર્ડર, બર્થડે મનાવવા ગયેલા યુવકની છરીના ઘા મારી હત્યા
એક પોલીસકર્મીને ઈજા પહોંચી
આ મામલો વધુ વકરે નહીં તે માટે આખો વિસ્તાર મોડીરાતે પોલીસ છાવણીમાં ફેરવાયો હતો, પથ્થરમારાના કારણે એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનો તાગ મેળવવા માટે ડ્રોન દ્વારા પણ પોલીસે દ્વારા વોચ રાખવામાં આવ્યું હતું.
આ બાબતે વડોદરા પોલીસના JCP ડો લીના પાટિલે મીડિયાને જણાવ્યું હતું કે, 'આ મામલે પોલીસ કાર્યવાહીની પ્રક્રિયા ચાલી રહી છે જેથી કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાવવી નહી. પોલીસની સોસિયલ મીડિયા પર નજર છે અને જો કોઈ આવી હરકર કરશે તો પોલીસ એની સામે કાયદેસરની કાર્યવાહી કરશે. જેથી કોઈપણ પ્રકારના મેસેજ વાઈરલ કરતાં પહેલાં તકેદારી રાખવી કારણકે પોલીસની તમામ જગ્યાએ નજર છે, તો કોઈપણ આવો ઉશ્કેરાટનો માહોલ ઊભો કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.'