VIDEO: ઉત્તરાખંડમાં આભ ફાટ્યા બાદ ગાંડીતૂર બનેલી નદીમાં કાર ખાબકી, ડ્રાઇવરે જુઓ કેવી રીતે જીવ બચાવ્યો
Uttarakhand Heavy Rain: ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અનેક સ્થળો પર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે અને નદીઓ પૂરમાં આવ્યા છે. ત્યારે ઉત્તરકાશી જિલ્લામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જ્યાં એક કાર નિયંત્રણ ગુમાવીને નદીમાં ખાબકી હતી. જો કે, નદીમાં ભારે પૂરના કારણે કારચાલક બોનેટ પર ચઢી ગયો હતો અને સ્થાનિક લોકોએ તેમનો બચાવ કર્યો હતો.
ડ્રાઇવરને કેવી રીતે સુરક્ષિત બહાર કાઢ્યો?
અહેવાલો અનુસાર, શનિવારે (28મી જૂન) યમુનોત્રી હાઇવે પર પાલીગાઢ ઓજરી ડાબરકોટ વચ્ચે સિલાઈ બંધ પાસે વાદળ ફાટતાં ભારે તબાહી મચી ગઈ છે. આ કુદરતી આફતમાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે 7 લોકો ગુમ છે. આ દરમિયાન રવિવારે (29મી જૂન) મોરી વિકાસખંડના લિવાડી ફીતાડી રોડ પરથી એક કાર રૂપીન નદીમાં ખાબકી હતી. આ કારમાં માત્ર ડ્રાઇવર જ હતો. કાર નદીમાં પડતાંની સાથે જ તે કાર ઉપર ચઢી ગયો હતો. જોકે, સ્થાનિક લોકોએ દોરડું ફેંકીને નદીની વચ્ચે ફસાયેલા ડ્રાઇવરને સુરક્ષિત રીતે બચાવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ વહીવટીતંત્રે સમગ્ર ઘટનાની તપાસ શરુ કરી દીધી છે અને વરસાદ દરમિયાન પહાડી વિસ્તારોમાં લોકોને ખૂબ કાળજી રાખવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: 24 કલાકમાં ગુજરાતનાં 189 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ કડીમાં 3.6 ઈંચ વરસાદ
ઉત્તરાખંડમાં વરસાદનું રેડ ઍલર્ટ
હવામાન વિભાગ અનુસાર, સોમવારે (30મી જૂન) ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી છે. ચંપાવત, દેહરાદૂન, હરિદ્વાર, નૈનિતાલ, પૌરી ગઢવાલ, રુદ્ર પ્રયાગ, ટેહરી ગઢવાલ, ઉધમ સિંહ નગર અને ઉત્તર કાશીમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ઘણી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. કેદારનાથ હાઇવે પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે. ત્યારે આદિ કૈલાશ યાત્રાનો માર્ગ ફરીથી બંધ કરવામાં આવ્યો છે.