24 કલાકમાં ગુજરાતનાં 189 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ કડીમાં 3.6 ઈંચ વરસાદ
Gujarat Rain Update : રાજ્યમાં ગત ચોવીસ કલાક દરમિયાન 32 જિલ્લાના 189 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 3.6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, અમદાવાદના વિરમગામ તાલુકામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના ખેરગામ, સુરતના ઉમરપાડા અને ગાંધીનગરના કલોલ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 25 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 159 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં આજે 30 જૂન 2025ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 33 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 35.75 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 24.77 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: રાહતના સમાચાર: સોસાયટીઓ માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, સ્ટેમ્પ ડ્યુટીની 80 ટકા સુધીની રકમ માફ
જુઓ ક્યાં-કેટલો ખાબક્યો વરસાદ
જૂન 2024માં 3 ઈંચ પણ વરસાદ નહોતો
હાલ 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો હોય તેવો માત્ર 1 તાલુકો છે. આ સિવાય 26 તાલુકામાં 20થી 40 ઈંચ, 89 તાલુકામાં 10થી 20 ઈંચ, 41 તાલુકામાં 5થી 10 ઈંચ અને 5 તાલુકામાં 1થી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વર્ષ 2024માં 29મી જૂન સુધી સરેરાશ 2.80 ઈંચ સાથે 8.05 ટકા વરસાદ પડ્યો હતો.
13 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે
ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર શરૂઆત કરતાં 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 46.21 ટકા થઈ ગયું છે. હાલ રાજ્યના 13 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે કુલ 18 જળાશયો હાઈએલર્ટ પર છે. વર્ષ 2024માં 28 જૂનના ગુજરાતના જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર 38.24 ટકા હતું. બીજી તરફ અમદાવાદમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
આજે 13 જિલ્લામાં યલો ઍલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, સોમવારે (30મી જૂન) અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે આગામી 1-2 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.