Get The App

ગોંડલમાં ઉત્તરાયણે લોહિયાળ ઘટના: પતંગ ચગાવવાની સામાન્ય બાબતે બે પરિવાર વચ્ચે ધીંગાણું, યુવકની હત્યા

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
ગોંડલમાં ઉત્તરાયણે લોહિયાળ ઘટના: પતંગ ચગાવવાની સામાન્ય બાબતે બે પરિવાર વચ્ચે ધીંગાણું, યુવકની હત્યા 1 - image


Gondal Crime News: મકરસંક્રાંતિના પર્વે જ્યારે સમગ્ર રાજ્ય પતંગબાજીના આનંદમાં ડૂબેલું હતું, ત્યારે ગોંડલના ભગવતપરા વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. પતંગ ચગાવવા જેવી નજીવી બાબતમાં એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે થયેલી તકરારમાં તીક્ષ્ણ હથિયારો ઉડ્યા હતા. આ હિંસક અથડામણમાં ગંભીર રીતે ઘવાયેલા 30 વર્ષીય યુવકનું મોત નીપજતા ઉત્સાહનો તહેવાર શોકમાં ફેરવાયો હતો.

શું હતી ઘટના?

મળતી માહિતી અનુસાર, ઘટના ગોંડલના ભગવતપરા ગેઈટ વાળી શેરીમાં બની હતી. જ્યા મકરસંક્રાંતિના દિવસે બંને પરિવારો પોતપોતાની અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા. આ દરમિયાન પતંગ ચગાવવા જેવી મામૂલી બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષના સભ્યો તીક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં બંને પક્ષના કુલ 4 લોકો લોહીલુહાણ થયા હતા.

આ પણ વાંચો: ઉત્તરાયણની સાંજનો આહલાદક નજારો: અમદાવાદીઓએ ધાબા પર કરી આતશબાજી, દિવાળી જેવો માહોલ સર્જાયો

સારવાર દરમિયાન યુવાનનું મોત

ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, ઈજાઓ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા હતા. ઈજાગ્રસ્તો પૈકી 30 વર્ષીય અનિલ લુણાસરિયાને ગંભીર ઘા વાગ્યા હોવાથી રાજકોટ લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અન્ય ત્રણ ઈજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હત્યાના આ બનાવની જાણ થતા જ ગોંડલ પોલીસનો મોટો કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. વિસ્તારમાં વધુ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. પોલીસે અનિલ લુણાસરિયાની હત્યા અંગે ગુનો નોંધી, મારામારીમાં સંડોવાયેલા અન્ય શખસોની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.