Uttarayan 2026: અમદાવાદમાં આજે વહેલી સવારથી પવન ન હોવા છતાં પતંગ રસિકો ધાબા પર ચઢી ખાણી-પીણીની રંગત જમાવી હતી. જો કે બપોર બાદ પવનની ગતિ થોડી વધતાં ઉત્તરાયણનો માહોલ જામ્યો હતો, આ પછી સાંજ થતાં જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેથી ઉત્તરાયણમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો, શહેરનું આકાશ રંગબેરંગી આતશબાજીથી ગુંજી ઉઠ્યું હતું.

ફટાકડા, ગરબા અને ડાન્સની મોજ
લોકોએ સ્કાય શૉટ સહિતના મલ્ટિપલ ફટાકડા ફોડ્યા હતા. કોઈએ કોઠીઓ સળગાવી તો કોઈએ ગરબા અને ડાન્સ કરી ઉમળકાભેર ઉત્તરાયણના પર્વને અલવિદા કહ્યું હતું, જો કે ઉત્તરાયણના બીજા દિવસે પણ વાસી ઉત્તરાયણની પ્રથા જોવા મળે છે ત્યારે કાલે પવન અનુકૂળ રહે તેવી પતંગ રસિકો આશા સેવી રહ્યા છે.

પતંગની જગ્યાએ ખાણી-પીણીનો આનંદ
આકાશમાં પેચ લડાવવા આતુર શહેરીજનોને આજે ઉત્તરાયણના દિવસે પવનની ગતિનો સાથ મળ્યો ન હતો તેમ છતાં પણ ઉત્સાહમાં કોઈ ઉણપ ન હતી. એકતા ગજેરાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું હતું કે, 'સવારથી અગાશી પર આવ્યા હોવા છતાં પવન ન હોવાને કારણે તેઓ નિરસતાનો અનુભવ થયો અને આ વખતની ઉત્તરાયણ અગાઉ જેવી લાગતી નથી. પતંગો ઉડતી ન હોવાથી મિત્રો સાથે મળીને મસાલેદાર ઊંધિયું, જલેબી અને ફ્રુટ સલાડ જેવી વાનગીઓની જયાફત ઉડાવીને મોજ-મસ્તી કરી હતી.

અમદાવાદના માહોલથી પતંગબાજો સંતુષ્ટ
અમદાવાદની ઉત્તરાયણ અંગે અંકુર કુંડલિયાએ જણાવ્યું કે, 'સવારથી પવન થોડો ઓછો હતો, પરંતુ અમદાવાદની ઉત્તરાયણ હોવાથી ખૂબ મજા આવી હતી. પવનની ગતિ ઓછી હોવાને લીધે ગયા વર્ષની સરખામણીએ આકાશમાં પતંગોની સંખ્યા ઓછી દેખાઈ છતાં આ તહેવારના માહોલથી સંતુષ્ટ છું.'
આ પણ વાંચો: સૂર્ય આજે રાત્રે મકર રાશિમાં પ્રવેશ કરશે! આ 4 રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ
વાસી ઉત્તરાયણ પર પવનની આશા
પવન વિશે વાત કરતા અલકા કુંડલિયાએ જણાવ્યું કે, 'આજે સામાન્ય દિવસો કરતા પણ પવન સાવ ઓછો હતો, જેના કારણે આકાશમાં પતંગો જોઈએ તેવી ઉડી નથી. વાસી ઉત્તરાયણમાં સારો પવન હશે તેવી આશા છે.'


