Bird Emergency Rescue Team: ઉત્તરાયણ તો ગઈ પણ અબોલ જીવો ખાસ કરીને પક્ષીઓના ઘવાયાના કેસો સતત સામે આવી રહ્યા છે, ઝાડ પર કે શેરી મહોલ્લામાં લટકતી દોરીઓથી પક્ષીઓ ઘાયલ થઈ રહ્યા છે. તેવા જ બે કિસ્સા અમદાવાદ અને છોટા ઉદેપુરમાં સામે આવ્યા છે. અમદાવાદના નારાયણપુરામાં ઘુવડ ફસાયું હતું તો છોટાઉદેપુરની તાલુકા શાળા નંબર એક શાળાના ઘટાદાર વૃક્ષ પર એક બગલો ફસાયો હતો.
ઘુવડ ચાઇનીઝ દોરીમાં ફસાયું
નારણપુરા આર્યન ફ્લેટમાંથી ઘુવડનો બચાવ કરનાર વિજય ડાભીએ કહ્યું હતું કે નિશાચર પક્ષી ઘુવડ દોરીમાં ફસાયું હોવાનો રાત્રે કોલ આવ્યો હતો, જે બાદ અમારી ટીમ તાત્કાલિક પહોંચી હતી, ત્યાં જઈને જોયું કે ચાઇનીઝ દોરીમાં ફસાયેલું હતું. જેનો બચાવ કરી સારવાર કરી હતી. જો ઉત્તરાયણ બાદ તમારા ઘર કે વિસ્તારમાં કોઈ દોરીઓ લટકતી હોય તો તેને યોગ્ય નિકાલ કરજો જેથી અબોલ જીવો ઘવાય નહીં.
ઝાડ પર લટકતી દોરીમાં બગલો ફસાયો
છોટા ઉદેપુરમાં પણ આવી જ ઘટના બની હતી, શહેરની તાલુકા શાળા નંબર એકના વૃક્ષ પર એક બગલો ફસાયો હતો, જેની જાણ વિદ્યાર્થીઓ દ્વારા શાળા પરિવારને કરાઈ હતી. શિક્ષક દ્વારા વન વિભાગ તેમજ ફાયર ટીમને જાણ કરાતાં કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, બે કલાકની જહેમત બાદ ક્રેનની મદદથી બગલાને દોરીમાંથી કાઢીમાં આવ્યો હતો. જે બાદ વન વિભાગના કર્મચારીઓ દ્વારા દવાખાને લઈ જવાયો હતો.


મહત્ત્વનું છે કે ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાંથી 5439 પક્ષીઓ પતંગની કાતિલ દોરીથી ઘાયલ થયા હતા. જેમાંથી 4937 એટલે કે 91 ટકા પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા. કરુણા અભિયાન અંતર્ગત ગુજરાતમાં છેલ્લા 9 વર્ષમાં 1.03 લાખ પશુ-પક્ષીનો બચાવ કરાયો હતો, જેમાંથી 1.03 લાખને યોગ્ય સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા હતા. અમદાવાદમાં સામાન્ય દિવસોમાં પશુ-પક્ષીની ઇમર્જન્સીના 101ની સામે ઉત્તરાયણના 186 કોલ નોંધાયા હતા. જેમાં પશુ ઘાયલ થવાના 107, પક્ષી ઘાયલ થવાના 79 કેસનો સમાવેશ થયો હતો, ઉત્તરાયણ બાદ પણ લટકતી દોરીના કારણે ઘવાયેલા પક્ષીઓ માટે કોલ સતત રણકી રહ્યા છે.


