Ahmedabad News : અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ફિલ્મી ઢબે દીવાલ તોડીને ચોરી કરનાર 19 વર્ષીય યુવકને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. આધુનિક લોકીંગ સિસ્ટમ અને મજબૂત શટરને અડ્યા વગર દીવાલમાં બાકોરું પાડીને થયેલી આ અનોખી ચોરીનો ભેદ ઉકેલી પોલીસે રૂ. 1.75 લાખની કિંમતની ચાંદીના તમામ દાગીના જપ્ત કર્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત 8મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે હાટકેશ્વર વિસ્તારમાં આવેલા સાગર એપાર્ટમેન્ટમાં સ્થિત એક સોનીની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. 19 વર્ષીય આરોપી અશ્વિન ખડીયાએ દુકાનના મુખ્ય દરવાજે લાગેલી લોખંડની જાળી કે શટરને હાથ લગાવવાને બદલે પાછળની દીવાલમાં બાકોરું પાડ્યું હતું. કડિયાકામ કરતા આરોપીએ ખૂબ જ સાવધાનીપૂર્વક દીવાલમાં બાકોરું પાડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ગણતરીની મિનિટોમાં રૂ. 1.75 લાખના ચાંદીના દાગીના ચોરીને રફુચક્કર થઈ ગયો હતો.
ઘટનાની ગંભીરતા જોતા ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસને શંકા હતી કે આ કોઈ પ્રોફેશનલ ગેંગનું કામ નથી, પરંતુ કડિયાકામ કે બાંધકામના કામથી વાકેફ કોઈ વ્યક્તિની સંડોવણી હોઈ શકે છે. આ શંકાના આધારે પોલીસે રામોલ કેનાલ અને જામફળવાડી વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રકશન સાઈટો પર વોચ ગોઠવી હતી.
CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી ઝડપાયો
તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાટકેશ્વરથી રામોલ સુધીના સેંકડો CCTV કેમેરા ફૂટેજ તપાસ્યા હતા. મોડી રાત્રે થેલા લઈને શંકાસ્પદ રીતે અવરજવર કરતા શખસો પર નજર રાખવામાં આવી હતી. બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આખરે જામફળવાડી ચાર રસ્તા પાસેથી આરોપી અશ્વિનને ઝડપી લેવામાં આવ્યો હતો.
100 ટકા મુદ્દામાલ રિકવર
આ કેસમાં સૌથી મોટી સફળતા એ રહી કે પોલીસે ચોરાયેલા તમામ દાગીના રિકવર કરી લીધા છે. DCPએ જણાવ્યું હતું કે, "આરોપી પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે, જેથી વેપારીને કોઈ આર્થિક નુકસાન થયું નથી." હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


