'શિવજી કી સવારી'ના ખર્ચના મુદ્દે વડોદરા કોર્પોરેશનની બજેટ બેઠકમાં હોબાળો : ગરબાના આયોજકોને પણ સહાય આપવામાં માગ
Vadodara Corporation Budget : વડોદરા કોર્પોરેશનની આજે મળેલી બજેટ બેઠકના પ્રારંભમાં ભાજપના પૂર્વ નેતાએ શિવજી કી સવારીના ખર્ચને મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય બાબત નથી તેમ કહી ઉગ્ર રજૂઆત કરતા અન્ય સભ્યોએ તેમને ચેરમેનની બજેટની સ્પીચ આપે તે પછી બોલવા જણાવતા સામ-સામે આક્ષેપબાજી થઈ હતી.
વડોદરા કોર્પોરેશનની આજથી બજેટની બેઠક ત્રણ દિવસ માટે શરૂ થઈ હતી. બેઠકના પ્રારંભમાં જ વંદેમાતરમ બાદ તુરત જ ભાજપના પૂર્વ નેતા અલ્પેશ લિંબચિયાએ ઉભા થઈ કોર્પોરેશન દ્વારા શિવજી કી સવારીના ખર્ચનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે તે અયોગ્ય બાબત છે તેમ કહી વિરોધ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વર્ષ 2013 થી સવારી નીકળે છે ત્યારે દર વર્ષે કોર્પોરેશન દ્વારા જે કોઈ મદદ કરવામાં આવતી હોય તે કરવામાં આવે છે તો ગત વર્ષે નીકળેલી શિવજી કી સવારી પાછળ થયેલા ખર્ચ મંજૂર કરવામાં આવતો નથી. આ રકમ તાત્કાલિક મંજૂર કરવી જોઈએ સરકાર જ્યારે ગ્રાન્ટ આપશે ત્યારની વાત ત્યારે પરંતુ હાલમાં કોર્પોરેશનને આ ખર્ચ ચૂકવી દેવો જોઈએ. આ સામે અન્ય કોર્પોરેટરોએ તેઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો.
ત્યારબાદ ધારાસભ્ય કેયુર રોકડિયાએ ધાર્મિક કાર્યક્રમો અંગેની ચર્ચા કરતા અન્ય સભ્યોએ ખરી શિવજીની સવારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેની સામે પૂર્વ વિરોધ પક્ષના નેતા અમીરાવતે જણાવ્યું કે માત્ર શિવજીની સવારી જ નહીં પરંતુ વડોદરાનું નામ ગરબામાં પણ વિશ્વ કક્ષાએ પહોંચ્યું છે. ત્યારે ગરબાના આયોજકોને પણ મદદ કરવી જોઈએ તેમ કહેતા અન્ય ભાજપના સભ્યોએ વિરોધ કર્યો હતો.