Gujarat Weather Update: ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી પગલે કચ્છ, મહેસાણા ભરશિયાળે કમોસમી વરસાદ થયો છે. આજે(22 જાન્યુઆરી, 2026) સાંજ-રાત્રિની સમયે કચ્છ-મહેસાણા જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો માવઠું પડ્યું. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતી છે.
કચ્છમાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે આજે ગુરુવારે કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. આમ, પાકિસ્તાન ઉપર સર્જાયેલા કોલ્ડ ફ્રન્ટ કચ્છ તરફ આવતા વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદના કારણે ઠંડીએ જોર પડ્યું છે.
કમોસમી વરસાદને પગલે કચ્છના મુખ્ય પાક એરંડાને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળવાને કારણે ખેડૂતોની આર્થિક ચિંતામાં વધારો થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી! અગમચેતીના ભાગરૂપે પગલાં લેવા ખેડૂતોને અપીલ
મહેસાણામાં માવઠું
બનાસકાંઠા, પાટણ સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે આજે આગાહી કરી હતી. જેમાં મહેસાણા શહેરમાં આજે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરની કેટલીક જગ્યાએ અચાનક કમોસમી વરસાદ વરસ્યો.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોના રવિ પાકને નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે.


