Get The App

ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી! અગમચેતીના ભાગરૂપે પગલાં લેવા ખેડૂતોને અપીલ

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
Gujarat Weather Update


Gujarat Weather Update: ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેને લઈને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભરશિયાળે માવઠું પડી શકે છે. હવામાન વિભાગે કચ્છ સહિત ત્રણ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઠંડીનું પણ જોર વધતું જોવા મળશે.

3 જિલ્લામાં યલો ઍલર્ટ

હવામાન વિભાગ મુજબ, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ આજે ગુરુવારે(22 જાન્યુઆરી) યલો ઍલર્ટને પગલે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. વીજળીના કડાકા સાથે વરસાદ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કર્યું છે. 

ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી! અગમચેતીના ભાગરૂપે પગલાં લેવા ખેડૂતોને અપીલ 2 - image

જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત સહિત પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ જોવા મળશે. જેમાં રાજસ્થાનના 6 જિલ્લામાં આજે ગુરુવારે માવઠાની આગાહી છે. 

આ પણ વાંચો: શક્તિસિંહ ગોહિલના ભત્રીજાની રિવોલ્વરમાંથી મિસફાયર થતા પત્નીનું મોત, આઘાતમાં પોતાને પણ મારી લીધી ગોળી

ઠંડીનું જોર વધશે

IMD અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધતું જોવા મળશે. રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડી વધશે. આજે(22 જાન્યુઆરી) અમદાવાદમાં 16.8 ડિગ્રી, ભુજમાં 15.4 ડિગ્રી, નલિયામાં 10.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું. 

માવઠાંની આગાહીને પગલે અગમચેતીના પગલાં લેવા ખેડૂતોને અપીલ

સૌરાષ્ટ્રના જિલ્લાઓ સહિત કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ માટે અગમચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ઉભા પાક અને લણણી કરેલા પાકને નુકસાન થવાની ભીતિ રહેલી છે, ત્યારે ખેડૂતોએ પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ખુલ્લો પડ્યો હોય તેવા ખેડૂતોએ ત્વરિત ધોરણે પોતાના ખેત ઉત્પાદિત પાકને સલામત સ્થળે ખસેડવા. જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં વાદળછાયા અને વરસાદી વાતાવરણ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

ખેતીની પેદાશો ઉપરાંત, ખેડૂતોએ વાવેતર માટે રાખેલા બિયારણ અને ખાતરનો જથ્થો પણ પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે. એ.પી.એમ.સી. ખાતે માલ લઈને આવતા ખેડૂતો અને વેપારીઓને પણ આગોતરી સાવચેતી રાખવા વિનંતી કરાઈ છે. જેમાં ખેતપેદાશોને બજાર સમિતિના શેડ નીચે રાખવી અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત કરવી. વધુ વિગતવાર માહિતી કે માર્ગદર્શન માટે કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર પણ સંપર્ક કરી શકાશે.